ગાંધીધામ, ત. 5 : આદિપુરમાં
રહેનાર નિવૃત્ત એવા વૃદ્ધને વારંવાર વોટ્સએપ ઉપર વીડિયો કોલ કરી પોલીસ વગેરેની ઓળખ
આપી ઠગ ટોળકીએ તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ડરાવી ધમકાવીને રૂા. 4,30,000 પડાવી
લીધા હતા. આદિપુરના સાતવાળી સી.બી.એક્સ-97માં
રહેનાર દુર્ગાશંકર ટોપનદાસ શર્મા આ બનાવનો ભોગ બન્યા હતા. ફરિયાદી વૃદ્ધ ગત તા. 17-11ના પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને
વોટ્સએપના વીડિયો કોલ આવતા હતા. શરૂઆતમાં તેમણે ફોન ઊંચકયો ન હતો, પરંતુ બાદમાં ફોન ઉપાડતાં એક શખ્સે હિન્દી ભાષામાં વિનયકુમાર ચોબે આઇ.પી.સી.
પોલીસ મુંબઇથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું અને તમારા નામે સુપ્રીમ કોર્ટનું અરેસ્ટ
વોરંટ નીકળ્યું હોવાનું જણાવ્યું હતું. પોતે કોઇ ગુનો ન કર્યો હોવાનું વૃદ્ધે કહેતાં
અમારા મેડમથી વાત કરી લેજો તેવું આ શખ્સે કહ્યું હતું. બાદમાં ફરીથી ફોન આવ્યો હતો
જેમાં દેખાતી મહિલાએ પોતાની ઓળખ નવજ્યોત સિમ્મી ઇન્વેસ્ટિગેશન વિભાગની અધિકારી તરીકેની
આપી હતી. અરેસ્ટ વોરંટ ઠેલવવું હોય તો સુપ્રીમ કોર્ટથી વાત કરીશ, પછી ફરિયાદીના મોબાઇલ ઉપર સરકારી કચેરીઓના સહી- સિક્કાવાળા જુદા-જુદા કાગળ
મોકલવામાં આવ્યા હતા, જેમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ તથા મુખ્ય આરોપી
નરેશ ગોયલ વગેરે વિગતો હતી. આ કાગળ જોઇને ફરિયાદી ખૂબ ડરી ગયા હતા. બાદમાં બીજા દિવસે
અને તે પછી વીડિયો કોલ કરી આ મહિલાએ પોતે સુપ્રીમ કોર્ટમાંથી સમય લઇ લીધો છે,
પણ સિકયુરિટી માટે રૂપિયા ભરવાની વાત કરી હતી. ફરિયાદીએ પોસ્ટ ઓફિસમાં
ખાતું હોવાનું અને જીવનભરની કમાણી તે ખાતામાં રૂા. 15 લાખ હોવાનું કહ્યું હતું. મહિલાએ તમારા ખાતામાં છે
તેના 50 ટકા એટલે સાડા સાત લાખ રૂપિયા
ભરવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનારે આ મારી મરણમૂડી છે, તમે મારી ધરપકડ કરી લો તેમ કહેતાં મહિલાએ રૂા. 4,30,000 માગ્યા હતા અને કૃપેશ અનિરુદ્ધ કુમારના ખાતા નંબર મોકલાવ્યા
છે. આ ખાતા નંબર કોના અને તે કોણ છે તેવું વૃદ્ધે પૂછતાં ઠગ મહિલો તે કોર્ટનો જ માણસ
હોવાનું વાત કરી હતી અને તપાસ પૂરી થશે તો રૂપિયા પરત આપી દેશું તેવી હૈયાધારણ આપી
હતી. ફરિયાદીએ પોસ્ટમાંથી પૈસા ઉપાડી આરોપીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તેમને
રૂપિયા મળી ગયાની રસીદ પણ મોબાઇલમાં મોકલવામાં આવી હતી. બાદમાં ફરિયાદીએ આ નંબરો પર
વારંવાર ફોન કર્યા છતાં તેમણે ફોન ઉપાડયા નહોતા. પોતે છેતરાયા હોવાનું બહાર આવતાં તેમણે
1980 ઉપર ફરિયાદ કરી હતી.