• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ભુજમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ

ભુજ, તા. 5 : શહેરના ભાવેશ્વરનગરમાં સિમરન સેલ્સ નામની દુકાનના આવેલા ગોડાઉનમાં કોઈ કારણે આગ લાગતાં મોટા પાયે નુકસાન થયું હોવાનું પ્રાથમિક હેવાલમાં જાણવા મળ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો, તો રહેણાક વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભુજ ફાયર શાખાને જાણ કરતાં તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. શુક્રવારે સાંજના અરસામાં સર્જાયેલી આ ઘટનામાં ભુજમાં સિમરન સેલ્સ નામની ઈલેક્ટ્રોનિક સામાનની દુકાનના ભાવેશ્વરનગરમાં આવેલા ગોડાઉનમાં કોઈ કારણે આગ લાગી હતી, જેમાં ટીવી, ફ્રીઝ, એસી સહિતનો ઈલેક્ટ્રોનિક્સનો સામાન બળીને ખાખ થયો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતાં આસપાસના લોકો ભયભીત થયા હતા અને તાત્કાલિક ફાયર શાખાને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની 25થી 30 જણાની ટીમ એક પછી એક એમ ચાર ગાડીઓ સાથે ધસી ગઈ હતી અને સાડા ત્રણ કલાક સુધી અંદાજિત એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હોવાનું ફાયર શાખાના દિલીપી ચૌહાણે જણાવ્યું હતું પ્રાથમિક હેવાલ મુજબ, મોટી નુકસાની થઈ હોવાની ભીતિ સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં દુકાન માલિક પરિવાર સહિત દોડી આવ્યા હતા, તો પીજીવીસીએલની ટીમ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી. તે ઉપરાંત ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ કાફલો પણ તાબડતોબ પહોંચી આવ્યો હતો અને આગ કઈ રીતે લાગી તે જાણવા સહિતની તપાસ આદરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે, આસપાસના લોકોના ટોળેટોળાં એકત્ર થયાં હતાં, ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા અને રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો. બનાવના પગલે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૂરી વ્યવસ્થાને તેમણે માર્ગદર્શન પૂરું પાડયું હતું. તે ઉપરાંત ઘટનાની જાણ થતાં ભુજ શહેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર, ,વોર્ડ નં. ચારના કાઉન્સીલર રાજેશ ગોર, હનિફ માંજોઠી, જિગર શાહ, દિલીપ હડિયા, જીતુભાઈ ઝાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મદદરૂપ બન્યા હતા.

Panchang

dd