ગાંધીધામ, તા. 27 : શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં
ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ચાર શખ્સે યુવાન ઉપર પાઇપ, ધોકાથી હુમલો કરી ઘરમાં રહેલા સરસામાનમાં તોડફોડ
કરી હતી. શહેરના મહેશ્વરીનગર મકાન નંબર 273માં રહેનાર ફરિયાદી જયંતી આસમલ સીજુ ગત તા. 24-6ના સાંજે પોતાનાં ઘરે હતો ત્યારે
ઘર પાસે રાહુલ પચાણ રામરખિયા (મહેશ્વરી) ગાળો બોલતાં હોઇ જેની આ યુવાને ના પાડી હતી, બાદમાં રાહુલ, બિસ્તા,
હરેશ અને વિશાલ પાઇપ, ધોકા લઈને ફરિયાદીના ઘરમાં
ઘૂસી જઇ તેના ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદીના માતા ભચીબેન, બહેન
ખુશી તથા દાદા કાનજીભાઇ અને જ્યોતિબેન વચ્ચે પડતાં આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો
અને ઘરમાં રહેલા ટીવી, ફ્રીઝ વગેરે સરસામાનમાં તોડફોડ કરી હતી.
ઘવાયેલા બે લોકોને સ્થાનિકે તથા ત્રણને વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા. બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.