• શનિવાર, 27 જુલાઈ, 2024

રાપર : આધેડના ચાર હત્યારાને આજીવન કેદ

ગાંધીધામ, તા. 22 : રાપરમાં સાત વર્ષ અગાઉ દુકાન વચ્ચે બેઠેલા આધેડ ઉપર ધારિયા, ધોકા, લાકડી વડે હુમલો કરી હત્યા નીપજાવાના કેસમાં ચાર શખ્સોને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો હતો. રાપરના રિલાયન્સ પેટ્રોલપંપ નજીક ગત તા. 16/1/2017ના અમૃતભા ગોવિંદભા ગઢવી તથા તેમના સાથે વિજય ગઢવી મારાજની દુકાન પાસે બેઠા હતા, ત્યારે સફેદ રંગની કારમાં સવાર થઈને આરોપી મનુભા વેલાભા ગઢવી, જીતુભા વેલાભા ગઢવી, મનુભા કાનભા ગઢવી તથા પ્રવીણભાઈ ગંગદાસભા ગઢવી ત્યાં આવ્યા હતા. આરોપીઓ ગાડીમાંથી ઊતર્યા બાદ અમૃતભા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કર્યો હતો. આધેડ નીચે પટકાતાં તેમને ધારિયાના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવવામાં આવી હતી. અમૃતભા અને આરોપીઓના ખેતર નજીક હોવાથી શેઢા મુદ્દે મનદુ: રાખી આધેડને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને બાદમાં તેમની હત્યા નીપજાવાઈ હતી. બનાવ અંગે તેમના નાનાભાઈ રાજુભા ગોવિંદભા ગઢવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી બનાવમાં વપરાયેલા હથિયારો, ગાડી, લોહીવાળા કપડાં વગેરે જપ્ત કર્યાં હતાં, પૂરતા પુરાવા હોવાથી કેસમાં ચારેય સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ચાર પૈકી ત્રણ વિરુદ્ધ અન્ડર ટ્રાયલપ્રિઝન કેસ ચાલ્યો હતો. કેસમાં ભચાઉની અદાલતે ફરિયાદી, પોલીસ સહિત 24 સાહેદોની જુબાની, એફ.એસ.એલ. સહિતના 41 પુરાવા ચકાસ્યા હતા. ફરિયાદી અને બચાવ પક્ષ બંને પક્ષોની રજૂઆતો, દલીલો સાંભળ્યા બાદ ચારેય આરોપીઓને ન્યાયાધીશ પી.ટી. પટેલે તકસીરવાન ઠેરવ્યા હતા અને ચારેયને આજીવન સખત કેદની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. તેમજ રૂા. 10,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ભરવામાં ચારેય આરોપીઓ કસૂરવાર ઠરે તો વધુ એક વર્ષની શખત કેદનો આદેશ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang