ગાંધીધામ, તા. 21 : ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)
ગાંધીધામ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે ચેમ્બર
ભવન ખાતે પાંચમા કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ તાલીમ
સફળતાપૂર્વક પૂર્ણ કરનારા પ્રતિભાશાળી તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત
કરાયા હતા. દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આગામી એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએશનની
માંગ સતત વધી રહી છે, ત્યારે સંસ્થા દ્વારા આ પ્રકારના નવા કોર્સ
શરૂ કરવામાં આવે, તો રોજગારીનું વધુ સર્જન થઈ શકે તેમ છે. મેયર
દિવ્યાબેન નાથાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી સફળ કેરિયરની સાથે
સમાજ અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. આઈ.ટી.આઈ. ગાંધીધામના પ્રિન્સિપાલ
ચિરાગ દાવડાએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, 1957માં સ્થપાયેલી આ સંસ્થામાં
હાલ 17 જેટલા વિવિધ કોર્સ ચાલી રહ્યા
છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા દેશના ત્રણ ગ્રીન હાઈડ્રોજન હબ પૈકી
કંડલા ખાતે દીનદયાલ પોર્ટનો પણ સમાવેશ કરાયો છે. આ માટે સંસ્થા દ્વારા `ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનિશિયન'નો ખાસ કોર્સ શરૂ કરાયો છે, જેના થકી આગામી સમયમાં અંદાજે પાંચ હજાર જેટલા તાલીમાર્થીઓને રોજગારીની તકો
પ્રાપ્ત થશે. આ ઉપરાંત સોલાર ટેકનિશિયન અને રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશાનિંગ જેવા કોર્સ
અંગે પણ માહિતી અપાઈ હતી. ગાંધીધામ ચેમ્બરના કોષાધ્યક્ષ કૈલેશ ગોરે તાલીમાર્થીઓને એડવાન્સ
સ્કિલ ટેકનિક અને વિદેશી ઔદ્યોગિક ટેક્નોલોજી સાથે તાલ મિલાવવા માર્ગદર્શન આપ્યું હતું.
મકવાણા એન્જિનીયારિંગના ચેરમેન કિશોરભાઈ મકવાણા અને હિન્દુસ્તાન યુનિલિવરના એચ.આર.
મેનેજર નિર્વિકાર હેગડેએ સખત મહેનતથી તાલીમને સાર્થક કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના
અંતે ઉપસ્થિત સૌ તાલીમાર્થીઓએ `કૌશલ ભારત - કુશળ ભારત'ના સંકલ્પ સાથે કારકિર્દીની શરૂઆત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર
કાર્યક્રમનું સંચાલન મયૂરીબેન રાજગોરે કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી
2022થી શરૂ થયેલા કૌશલ્ય દીક્ષાંત
સમારોહની રૂપરેખા આપી હતી. આભારવિધિ વી. જે. નાચકાણીએ કરી હતી. આયોજનને સફળ બનાવવા
આઈ.ટી.આઈ.ના ઈન્સ્ટ્રક્ટર અને સ્ટાફે સેવા આપી હોવાનું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ
જણાવ્યું હતું.