નવી દિલ્હી, તા. 20 : તહેવારો બાદ હવે લગ્નની મોસમમાં પણ સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. સુવર્ણના ભાવમાં શુક્રવારે છ હજાર જેટલો ઘટાડો થતાં કિંમતી ધાતુ એક વર્ષમાં સૌથી સસ્તી થઇ ગઇ છે અને 1.23 લાખ રૂપિયા પર આવી ગઈ છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ આજે પ્રતિ કિલોગ્રામ 10 હજાર રૂપિયા જેટલો (9789 રૂપિયા) ઘટાડો આવ્યો હતો. આ કડાકા બાદ ચાંદી પ્રતિ કિલો દોઢ લાખ રૂપિયા થઇ ગઇ છે. અમેરિકી ડોલર મજબૂત થવાની સાથે ઊંચા સ્તર પર નફા વસૂલીના કારણે સોનાં-ચાંદીની કિંમતો પર દબાણ વધ્યું છે. આજના ઘટાડા બાદ સોનું લગભગ એક વર્ષ જૂના સ્તરે પહોંચી ગયું છે. વીતેલા વર્ષે 24મી નવેમ્બરના 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1,23,308 રૂપિયા હતા. ત્યારબાદ આખું વર્ષ ભાવ ઊંચા જતા ગયા હતા. ચાલુ વર્ષે બંને કિંમતી ધાતુની કિંમતોમાં લગાતાર ચડાવ-ઉતાર જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2025ના 1.33 લાખમાંથી 29 જાન્યુઆરીના સોનું 1.76 લાખના સૌથી ટોચના સ્તર પર પહોંચી ગયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનું લગભગ 52.4 હજાર રૂપિયા એટલે કે 60 ટકા સુધી સસ્તું થઇ ચૂક્યું છે. એ જ પ્રકારે 31 ડિસેમ્બર, 2025ના દિવસે 2.30 લાખ રૂપિયામાંથી ઉછાળા સાથે 29 જાન્યુઆરીના ચાંદી 3.80 લાખ રૂપિયાની ટોચે પહોંચી ગઇ હતી. ત્યારથી આજની તારીખ સુધીમાં ઘટીને ચાંદી લગભગ 2.29 લાખ રૂપિયા એટલે કે 60 ટકા સસ્તી થઇ ચૂકી છે. દક્ષિણ ભારતમાં વધારે એટલે કે લગભગ 40 ટકા જેટલી ખપતનાં કારણે જ્વેલર મોટા પ્રમાણમાં સોનાં-ચાંદી ખરીદે છે, પરંતુ છૂટનો ફાયદો સીમિત રહે છે. અમેરિકી ફેડ રિઝર્વના વ્યાજદરમાં હજુ વધારા અને ડોલરની મજબૂતી જેવા પરિવબળોથી સોનાં-ચાંદીના ભાવો લગ્નના દિવસોમાં હજુય નીચા જવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.