• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ભારત-શ્રીલંકા વનડે સામે પ્રદૂષણ વિલન બનશે ?

નવી દિલ્હી, તા.26: નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણીનો પ્રથમ મેચ 13 ડિસેમ્બર, 2026ના રોજ રમાવાની છે. વનડે ફોર્મેટ હોવાનાં કારણે ક્રિકેટપ્રેમીઓમાં એ આશા બંધાઈ છે કે કદાચ છેલ્લી વાર તેઓ ભારતીય ટીમના બે દિગ્ગજ પૂર્વ કેપ્ટનો રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ટીમમાં દિલ્હીના મેદાન પર સાથે રમતા નિહાળી શકશે પરંતુ પર્યાવરણીય સ્થિતિને જોતાં ચાહકોની આ આશા પર પાણી ફરી વળે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં ભારે ધુમ્મસ ઉપરાંત સ્મોગ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર ચિંતાનો વિષય બની રહે છે. પાછલાં કેટલાંક વર્ષોના ટ્રેન્ડ અને આંકડાકીય સરખામણી મુજબ, 13 ડિસેમ્બરની આસપાસ દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક 400ની આસપાસ પહોંચવાની આશંકા છે, જે અતિ જોખમી કેટેગરીમાં આવે છે. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો પણ 26 ઓક્ટોબરના રોજ દિલ્હી ગેટ આસપાસનો એક્યુઆઇ 160 નોંધાયો છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક શ્રેણીમાં આવે છે. ડિસેમ્બરનાં બીજાં સપ્તાહ સુધીમાં પ્રદૂષણ અને સ્મોગનું પ્રમાણ ચરમસીમાએ હોય છે. વર્ષ 2017માં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. તે સમયે દિલ્હીના આ જ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ દરમિયાન લંકન ખેલાડીઓએ પ્રદૂષણનાં કારણે રમવાનો ઇન્કાર કરી દીધો હતો. ભારે વિવાદ બાદ મેચ શરૂ તો થઈ પરંતુ શ્રીલંકન ખેલાડીઓ મેદાન પર પ્રદૂષણથી બચવા માસ્ક પહેરીને ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા. વિશ્વ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ અને બોર્ડની છબી ખરડાય તેવા આવાં દૃશ્યોનું પુનરાવર્તન બીસીસીઆઇ કદાચ ક્યારેય ઈચ્છશે નહીં.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd