રાજકોટ, તા. 26 : રાજકોટમાં નિરંજન શાહ ક્રિકેટ
સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફી ગ્રૂપ સ્ટેજ મુકાબલામાં સૌરાષ્ટ્ર સામે પ્રથમ
દિવસે ટોસ જીતીને બાટિંગ કરવાનો આસામનો નિર્ણય મિશ્ર સાબિત થયો છે. પ્રથમ દિવસના અંતે
આસામે 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા છે. કેપ્ટન ડેનિશ
દાસ અને અનુભવી શિબસંકર રોયની બાટિંગ સામે સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટની ધારદાર
બાલિંગે દિવસના અંતિમ સત્રોમાં મેચ પર સૌરાષ્ટ્રની પકડ મજબૂત રાખી છે. પ્રથમ દિવસે
બાટિંગમાં ઉતરેલી આસામની શરૂઆત અત્યંત ધીમી રહી હતી. ઓપનર નિબિર ડેકા (10 રન, 44 બોલ) જય ગોહિલના
સચોટ થ્રો પર રનઆઉટ થયો હતો, જ્યારે
પ્રદ્યુન સાઈકિયા (15 રન, 60 બોલ)ને રવિન્દ્ર
જાડેજાએ આઉટ કર્યો હતો. રાજવીર સિંહે 29 રન બનાવ્યા અને અર્થ યાદવે હાર્વિક દેસાઈના હાથે કેચ આઉટ કરાવ્યો
હતો. શરૂઆતી આંચકાઓ બાદ કેપ્ટન ડેનિશ દાસે મોરચો સંભાળ્યો હતો. ડેનિશે 165 બોલમાં 90 રન બનાવ્યા હતા. જયદેવ ઉનડકટે
તેને આઉટ કર્યો હતો. શિબસંકર રોયે અણનમ 59 રન ફટકાર્યા છે. સૌરાષ્ટ્ર તરફથી સૌથી સફળ બોલર કેપ્ટન જયદેવ
ઉનડકટ રહ્યો હતો, જેણે 13 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર
જાડેજા અને અર્થ યાદવે 1-1 વિકેટ હાંસલ
કરી હતી.