ભુજ, તા. 30 : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર
તળે રાજ્યની સાથે કચ્છમાં પણ છઠ્ઠી જૂન સુધી ગાજવીજ સાથે હળવો-મધ્યમ વરસાદ વરસવાની
હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદના વર્તારા વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં
ધૂપ-છાંવનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો. તેજ ગતિએ ફુંકાયેલા પવનના લીધે ધૂળની ડમરી
ઊડતાં વાહનચાલકો અને રાહદારીઓએ હાલાકી ભોગવી હતી. મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી વચ્ચે નોંધાતાં આકરા તાપમાંથી થોડી રાહત મળી, પણ ભેજનાં ઊંચાં પ્રમાણના લીધે અનુભવાયેલા બફારાએ
જનજીવનને આકુળવ્યાકુળ કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી છઠ્ઠી તારીખ સુધી કચ્છના
કેટલાક વિસ્તારમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા
સાથે તોફાની વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય પર અલગ-અલગ ચાર જેટલી
સિસ્ટમ સર્જાયેલી છે, જેની અસર તળે
આજે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો છે, તો રાજસ્થાનમાં જે
રીતે રેતીનો વંટોળ જોવા મળ્યો છે તેવો જ ધૂળિયો નજારો કચ્છના કેટલાક વિસ્તારમાં જોવા
મળી શકે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. ચોમાસાનાં આગમન પૂર્વે પ્રિ-મોન્સૂન
એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દરમ્યાન ગ્રામીણ
વિસ્તારમાં વહેલી સવારથી જ તેજ ગતિએ પવન ફુંકાતાં ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ
ઊડતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. તેજ પવનનાં કારણે રણ વિસ્તારના રસ્તાઓ પર દૃશ્યતા
ઓછી થઇ જતાં વાહનચાલકેને મુશ્કેલીનો સામનો
કરવો પડયો હતો. દ્વિચક્રી વાહનચાલકોને પવન સામે વાહન ચલાવવામાં મુશ્કેલી પડતાં
ઘણા લોકોએ રૂમાલ અથવા હેલમેટથી મોઢું ઢાંકી મુસાફરી કરવી પડી હતી. ભારે પવનનાં કારણે
કેરી અને જાંબુના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.