• રવિવાર, 31 મે, 2026

વાગડ પંથકમાં સાયબર ક્રાઈમ માફિયાની જાળમાં ફસાયેલા પાંચ જણે રૂા. 3.44 લાખ ગુમાવ્યા

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં ઓનલાઈન છેતરપિંડીના જુદા-જુદા  પાંચ બનાવ સાયબર ક્રાઈમ  પોલીસ મથકે નોંધાયા હતા. રાપર તાલુકાનાં બાલાસરના ખેડૂત ફરિયાદી દિવ્યેશ વનિતભાઈ ચૌહાણ ઓનલાઈન છેતરપિંડીના શિકાર બન્યા હતા. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અજાણ્યા આરોપીએ ફરિયાદીનો કોઈ પ્રકારે મોબાઈલ હેક કરીબેંક ખાતાંમાં જુદા-જુદા વ્યવહાર કરીને કુલ રૂા. 1,97 લાખની  ઉઠાંતરી કરી  હતી. રાપર તાલુકા બેલાના રમેશભાઈ સુરતાજી ત્રિવેદી  સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં ફરિયાદી  પોતાનાં વતનમાં હતા તે સમયે અજાણ્યા આરોપીએ ફરિયાદીના મિત્ર  તરીકે ખોટી ઓળખ આપી  હોસ્પિટલમાં હોવાનુ કહીને જુદા-જુદા વ્યવહાર મારફતે રૂા. 80 હજાર મેળવ્યા હતા. આ જ પ્રકારનો બનાવ રાપર તાલુકાના ધોળાવીરાના ખેતશ્રમિક લાલાભાઈ માલશીભાઈ પરમાર સાથે બન્યો હતો. બનાવ અંગે પોલીસે વિગતો આપતાં ઉમેર્યું હતું કે, ફરિયાદી પોતાનાં ઘરે હાજર હતા તે સમયે ફરિયાદીને  અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ફરિયાદીના મિત્ર તરીકે ઓળખ આપી  ખોટા પૈસા  જમા થઈ ગયા હોવાની વાત કરી હતી. તહોમતદારે આ અંગેનો  સંદેશો મોકલીને ફરિયાદી પાસેથી રૂા. 15 હજાર અને 30 હજાર સહિત કુલ રૂા. 45 હજાર  મેળવીને છેતરપિંડીનાં કૃત્યને અંજામ આપ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે, રાપર તાલુકાના  મૌવાણાના ખેડૂત  કિશોરસિંહ મહિપતસિંહ વાઘેલા પણ ઝપટે ચડયા હતા. અજાણ્યા આરોપીએ ફરિયાદીનો કોઈ પ્રકારે મોબાઈલ ફોન હેક  કરી આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને વિભિન્ન પ્રકારના વ્યવહારો થકી  ફરિયાદીનાં ખાતાંમાંથી રૂા. 19596ની ઉઠાંતરી કરી હતી. વધતા જતા ઓનલાઈન છેતરપિંડીના બનાવને લઈને પોલીસતંત્રએ લોકોને સચેત અને જાગૃત રહેવા જણાવી અજાણ્યા નંબર  આવતી લિન્ક ન ખોલવા તેમજ લોભામણી લાલચમાં ન આવવા અપીલ કરી હતી.  

Panchang

dd