• રવિવાર, 31 મે, 2026

દિલ્હીમાં આઈએસઆઈના નવ આતંકી પકડાયા

નવી દિલ્હી, તા. 30 : દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ ટીમે રાજધાનીમાં મોટા આતંકવાદી હુમલાનો કારસો નાકામ કરતાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવ એજન્ટને દબોચી લીધા હતા. આ તમામ પકડાયેલા આતંકી આઈએસઆઈ અને મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્કના ઈશારે કામ કરતા હતા. તેમને દિલ્હીના વિશેષ સ્થળો તેમજ સુરક્ષાદળો પર હુમલાનું કામ સોંપાયું હતું.  પાકના એજન્ટો પાસેથી હથિયાર, વિસ્ફોટકો સહિત મોતનો સામાન કબજે કરાયો હતો. લાંબા સમયથી હુમલાનું કાવતરું ઘડાતું હતું. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા આતંકીઓમાં કેટલાક નેપાળના પણ છે. ભારતમાં તેમને કોણ મદદ કરે છે, તે જાણવા તપાસ આદરાઈ હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જાણકારી આપતા કહ્યું હતું કે આઇએસઆઇ અને અંડરવર્લ્ડ સંબંધિત નવ લોકોને દિલ્હીમાં અલગ અલગ સ્થળે હુમલાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ મામલે ગુપ્ત સૂચના મળ્યા બાદ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા અમુક સમયથી પૂરા મોડયુલ ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. આરોપ છે કે દબોચાયેલા નવ શખસ પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ, મુંબઈના અંડરવર્લ્ડ અને ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ સંબંધિત હેન્ડલર્સના ઈશારે કામ કરી રહ્યા હતા. તમામને દિલ્હીનાં સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની જવાબદારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલા આરોપી દિલ્હી, મુંબઈ અને પંજાબના રહેવાસી છે તેમજ અમુક વિદેશી નાગરીક પણ સામેલ છે. આ અગાઉ આતંકી હુમલાની જાણકારી મળતા જ દિલ્હીને હાઇ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું હતું. ગુપ્ત સૂચના મળી હતી કે આંતકી સેન્ટ્રલ દિલ્હીના મુખ્ય વિસ્તારો કે ભીડ ધરાવતાં સ્થળોને નિશાન બનાવી શકે છે. આ માટે આત્મઘાતી હુમલા, ગાડીમાં આઇઇડી વિસ્ફોટ, ગોળીબાર વગેરે કરી શકે છે.  

Panchang

dd