ભુજ, તા. 30 : કચ્છી સાહિત્ય ક્ષેત્રમાં નોંધપાત્ર
પ્રદાનને પોંખવાની પરંપરા ધબકતી રાખતાં કચ્છ શક્તિ અને કચ્છમિત્રના સહિયારા ઉપક્રમે
આ વખતે સર્જક પબુ ગઢવી `પુષ્પ'ને સ્વ. દુલેરાય કારાણી એવોર્ડથી સન્માનિત કરાશે.
શહેરના કેડીસીસી બેન્ક સભાખંડમાં આગામી મંગળવારની સાંજે ચાર વાગ્યે કચ્છના સાંસદ વિનોદ
ચાવડાની અધ્યક્ષ પદે ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે.`કચ્છ શક્તિ'ના હેમરાજ શાહની પ્રેરણાથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં
અગ્રિમ અખબાર કચ્છમિત્રના સહયોગથી યોજિત સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન
પટેલ, પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'
સહિત અગ્રણીઓ અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે. દુલેરાય કારાણી પારિતોષિક
સમિતિના હેમરાજ શાહ, દીપક માંકડ, ગોરધન
પટેલ `કવિ'એ સાહિત્યરસિકોને મંગળવારની સાંજે ચાર વાગ્યા સુધીમાં સમયસર ઉપસ્થિત થવા અપીલ
કરી હતી. કાર્યક્રમ સમયસર શરૂ થશે જેની નોંધ લેવા આયોજકોએ જણાવ્યું છે.