ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ મહાનગરપાલિકાનું સુકાન
સંભાળનારા નવા પદાધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક બોલાવીને વરસાદી નાળાંની
સફાઇ, ડ્રેનેજ તેમજ કચરાની સફાઈ, રોડ-રસ્તાનાં કામો ઉપરાંત બ્યૂટિફિકેશનની કામગીરીની વિગતો મેળવીને ઝડપથી કામો
પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. મેયર દિવ્યાબેન
નાથાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડેપ્યુટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે
શહેરમાં વરસાદી પાણીના નિકાલનાં નાળાંઓની સાફ-સફાઈ બાબતે જરૂરી માહિતી મેળવીને સૂચનાઓ
આપી હતી. આ ઉપરાંત ગટર અને સફાઈ બાબતે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. શહેરમાં
થઈ રહેલા વિવિધ વિકાસનાં કામો અંગે સમીક્ષા કરીને બ્યૂટિફિકેશનની કામગીરી ઝડપથી પૂર્ણ
કરવા માટે કહ્યું છે, પરંતુ કરોડો-કરોડો રૂપિયાનાં કામોમાં ગુણવત્તા
સાથે બાંધછોડ થઈ રહી છે, તે બાબતે સત્તાધીશોએ મૌન સેવ્યું છે.
ઝડપથી કામો પૂર્ણ કરવાના ચક્કરમાં પાંચ વર્ષ દરમિયાન મુશ્કેલી ભોગવવાનો વારો આવે તેવી
સ્થિતિ ઊભી થઈ છે, જેથી આ બાબતે પણ સત્તાધીશો સમીક્ષા કરે તે
અત્યંત જરૂરી અને આવશ્યક છે. મોટાભાગના સત્તાધીશો નગરપાલિકા સમયના અનુભવી છે,
જ્યારે ડેપ્યુટી મેયર અને જિલ્લા પંચાયતના અનુભવ છે. તેવામાં જો ગુણવત્તા
સાથે બાંધછોડ કરીને કામ પૂર્ણ થશે તો લોકોને તેવી હાલાકી ભોગવી પડશે તે આ અનુભવીઓ જાણે
છે એટલા માટે શહેરની મુખ્ય બજાર ઉપરાંત જૂની કોર્ટ રોડ તેમજ શિવાજી પાર્ક-બગીચા રોડ
અને ગ્રામીણ વિસ્તારમાં જે કોન્ટ્રાક્ટર કામ કરે છે તે રોડ-રસ્તાની પણ સમીક્ષા કરવામાં
આવે તે આવશ્યક છે. તઆ બેઠકમાં એન્જિનીયરોને
જરૂરી સૂચનાઓ આપી છે તે મુજબની કામગીરી થાય તે જોવાની જવાબદારી હવે આ જવાબદારોની છે.
હાલના સમયે વરસાદની આગાહી છે, વહીવટી તંત્ર મશીનરી સાથે સતર્ક
રહે તે આવશ્યક છે. બેઠકમાં તમામ વિભાગોના વડાઓ તેમજ એન્જિનીયરો, શાસક પક્ષના નેતા ભરત વિરાણી અને દંડક સુરેશ ધુઆ ઉપસ્થિત રહ્યા હતા.