ભુજ / ગાંધીધામ, તા. 30 : માંડવી તાલુકાના
કોડાય વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટેમ્પામાંથી શરાબનો જથ્થો
ઝડપી પાડયો છે. પોલીસે રૂા. 1.59 લાખની કિંમતનો
દારૂ અને ટેમ્પા સહિત કુલ રૂા. 11.62 લાખનો મુદ્દામાલ
કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે જ્યારે ભચાઉ
પોલીસે પાકડસર પાસેથી રૂા.14,406ના દારૂ સાથે શખ્સની
ધરપકડ કરી હતી. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, કોડાય વિસ્તારમાં રહેતો ઘનશ્યામ હીરજીભાઇ હાલાઇ
(પટેલ) પોતાના આઇસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કોડાયથી માંડવી તરફ જવાનો
છે. આથી પોલીસે વોચ ગોઠવી આઇસર ટેમ્પાને ઝડપી લીધો હતો અને તલાશી લેતાં તેમાંથી શરાબની
વિવિધ બ્રાન્ડની 143 બોટલ, અલગ-અલગ કંપનીના 240 બિયર ટીન અને 196 શરાબના ક્વાર્ટરિયા મળી આવ્યા
હતા જેની અંદાજિત કિંમત રૂા. 1,57,138 થાય
છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 10 લાખનો આઇસર ટેમ્પો અને મોબાઇલ જપ્ત કર્યો છે. પોલીસે ઘનશ્યામ
હિરજીભાઇ હાલાઇની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી શિવમ જાદવ (રહે.
તલાસરી, મહારાષ્ટ્ર) હાલ ફરાર હોવાથી તેને પકડવા માટે
પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ભચાઉના પાકડસર તળાવની બાજુમાં કાચા રસ્તા ઉપર
દારૂ વેચાતો હોવાની પૂર્વ બાતમી આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડયા હતા. આ કાર્યવાહીમાં
આરોપી રવજી ધના કોળી (રહે. કબરાઉ, તા.
ભચાઉ) પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની
કુલ 21 બોટલ મળી આવી હતી. આરોપી રવજીની
પુછપરછ દરમ્યાન પકડાયેલા દારૂનો જથ્થો આરોપી ફિરોજ ખોજાની ગુણાતીતપુરમાં આવેલી વાડીમાંથી
લાવ્યો હોવાની કેફીયત આપી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.