• રવિવાર, 31 મે, 2026

આજે મહામુકાબલો : આરસીબીની આણ કે જીટીનું જોર ?

અમદાવાદ, તા. 30 : અનેક ચડાવ-ઉતાર બાદ આઈપીએલ પોતાના અંતિમ પડાવ પર  આવી ગઈ છે. આવતીકાલે અહીંના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત  ટાઈટન્સની ટક્કર થશે. કિંગ વિરાટ કોહલીની ટીમ ખિતાબ બચાવવા માટે મથશે, તો પ્રિન્સ શુભમન ગિલની સેના 2022 બાદ ફરી એકવાર ચેમ્પિયન બનવા પ્રયાસ કરશે. આરસીબી પાસે એકથી એક બળૂકા બેટધરો છે. કોહલી ઉપરાંત કપ્તાન રજત પાટીદાર શાનદાર દેખાવ કરી રહ્યો છે. ટિમ ડેવિડ ખતરનાક છે. બોલિંગમાં પર્પલ કેપમાં 26 વિકેટ સાથે બીજાં સ્થાને પહોંચેલો સ્વિંગનો સુલતાન ભુવનેશ્વવર કુમાર, કિફાયતી જોશ હેઝલવૂડ ઉપરાંત રસિખ સલીમ ડાર અને જેકબ ડફી, ઓલરાઉન્ડર  કૃણાલ પંડયા જેવા ખેલાડીઓ છે, ફિલ સોલ્ટ ફિટ થઈ ગયો છે, પણ આરસીબી પોતાની વિજેતા ટીમમાં ફેરફાર કરશે કે કેમ એઁ જોવાનું છે.  જીટીના બંને ઓપનર ગિલ અને સાઈ સુદર્શન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને ઓરેન્જ કેપમાં બીજાં અને ત્રીજાં સ્થાને છે. જો કે, જોસ બટલર અને રાહુલ તેવતિયા જોઈએ તેવા ઝળક્યા નથી. બોલિંગ જીટીની તાકાત છે. કગીસો રબાડા 28 વિકેટ સાથે ટોચ પર છે. મોહમ્મદ સિરાઝ પણ દમદાર દેખાવ કરી રહ્યો છે. છેલ્લી મેચમાં ધોવાયેલો રાશિદ ખાન ગમે ત્યારે વાપસી કરવા માટે સક્ષમ છે. સિરાઝની ફિટનેસ સામે સવાલ ઊઠયા હતા, પણ તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.  મેચને લઈને અમદાવાદમાં જબ્બર ક્રિકેટ ફીવર ફરી વળ્યો છે. ફાઈનલ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે અને ફાઈનલ પહેલા સમાપન સમારોહ પણ યોજાશે. 

Panchang

dd