કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : ભૂતકાળ હંમેશાં અનુભવનું
ભાથું બાંધી આપે છે. ઇતિહાસ બોધપાઠ શીખવે છે. નિરંતર ગ્રહણ કરવાની, શીખવાની, અપડેટ થતા રહેવાની
પ્રક્રિયાની અવગણના કરીએ તો ગણીવાર એની મોટી કિંમત ચૂકવવી પડે છે. કચ્છ ધરતીકંપની મહત્તમ
સંભાવનાવાળા ઝોન પાંચમા આવે છે. ધરતીની આંતરિક ઊથલપાથલને ધ્યાને લઇને કચ્છને ઝોન છમાં
લઇ જવાની દરખાસ્ત થઇ છે. કચ્છમિત્ર પોડકાસ્ટમાં કચ્છ યુનિવર્સિટીના સિનિયર ભૂસ્તરશાત્રી
ગૌરવ ચૌહાણની મુલાકાત સૌએ ધ્યાનથી સાંભળવા-જોવા જેવી છે. તેમણે આપેલી માહિતી ગંભીર
છે. ધરતીકંપની 25મી વરસીએ
ભૂતકાળના ઘાવ ખોતરવાનું કદાચ ગમે નહીં, પણ વારંવાર ચેતવણીના હથોડા મારવાનું કારણ એ છે કે, કચ્છ
સાવચેત રહે. 26મી જાન્યુઆરી, 2001ના જે કંઇ
થયું એ કુદરતનો કોપ તો હતો જ, પણ જાન-માલનું
નુકસાન માનવીય બેદરકારીનું પરિણામ. કચ્છ ઝોન પાંચમાં આવતો વિસ્તાર હોવા છતાં વાસ્તવિકતા
પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિકતા આપણે જાણીએ છીએ. જૂની ફાઇલોમાંથી આ લખનારની કલમે
જ કંડારાયેલો કિસ્સો અહીં પુનરોક્તિ દોષ સાથે રજૂ કર્યો છે. વડોદરાની મહારાજા સયાજીરાવ
યુનિવર્સિટીની ભૂસ્તર વિજ્ઞાન શાખાના નિવૃત્ત વિજ્ઞાની ડો. ડી. એમ. શ્રૃંગારપુરેનું
નામ આવા જ એક કમનસીબ ઘટનાક્રમ સાથે સંકળાયેલું છે. દેશના આ જાણીતા ભૂસ્તરશાત્રીએ જુલાઇ-1996માં ગંભીર ચેતવણી આપી હતી કે, કચ્છમાં ગમે ત્યારે મોટો ધરતીકંપ થવાનો ખતરો
છે, ચેતી જજો...! પણ તેમણે રણકાવેલા ખતરાના એલાર્મનો અવાજ એ સમયે
કચ્છ-ભુજની જમીન-મકાનની તેજી, નિયમોની ધરાર અવગણના, ભ્રષ્ટાચારની ભરતીનાં મોજાંમાં દબાઇ ગયો. પરિણામ જોવા મળ્યું 26મી જાન્યુઆરી, 2001ની સવારે.
આ અવગણનાની કિંમત કચ્છે બહુ મોટી ચૂકવી. 12,221 મોત, 14,534 ઇજાગ્રસ્ત, 1.99 લાખ મકાન
આંશિક અને 1,11,786 મકાન સંપૂર્ણ ધ્વસ્ત... એથીયે મોટી પીડા સહેવી પડી વહાલસોયા સ્વજનોની
અણધારી વિદાય અને હજારો વિકલાંગોને લીધે પરવશ બનેલી જિંદગીની... એ સમયે ડો. શ્રૃંગારપુરેએ
અભ્યાસનાં તારણોનો હેવાલ યુ.એન.આઇ. એજન્સીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કચ્છનું ભૂસ્તરીય માળખું તિરાડો વચ્ચે નિયંત્રિત
થાય છે. કચ્છમાં ચાર મુખ્ય ફોલ્ટ્સ. પહેલો ફોલ્ટ પચ્છમ ખડીર અને બેલાની બાહ્ય સીમાની
સમાંતર આવેલો છે. બીજી તિરાડ પૂર્વ કચ્છની દક્ષિણ સીમાની સમાંતરે છે. (જ્યાં 2001ના ધરતીકંપનું એપી સેન્ટર બન્યું), ત્રીજી અને ચોથી તિરાડ મુખ્ય ભૂભાગની પશ્ચિમ
સીમાએ અને મધ્યમના ડુંગરાળ પટ્ટામાંથી પસાર થાય છે. એ અહેવાલના આખરમાં શ્રંઊંગારપુરેને
એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, ભૂવિજ્ઞાનના નિષ્ણાતોની આગાહીઓને
સરકારી એજન્સીઓ, આયોજકો અને પ્રજાએ ગંભીરતાથી લેવી જોઇએ. એ વખતે
સરકારે તેની નોંધ ન લીધી એવું નથી. કચ્છના ત્રણેક દાયકા પહેલાં તત્કાલીન કલેક્ટર આર.પી.
ગુપ્તાએ ભૂસ્તરશાત્રીઓ સાથે બેઠક યોજી, ત્યારે ભૂવિજ્ઞાનીઓને
પત્રકારોએ મળ્યા હતા, તેમાં આ લખનારે એક હતો... એપી સેન્ટર,
રિક્ટર સ્કેલ, ઝોનનું વર્ગીકરણ એ બધું પહેલીવાર
સમજમાં આવ્યું હતું. એ બેઠક પછી કચ્છ ધરતીકંપની સૌથી વધુ સંભાવનાવાળો ઝોન હોવાથી મકાન
બાંધકામ સહિતના તકેદારીના ઉપાયો સૂચવ્યા હતા, એમ. એસ. યુનિ.ના
જ ભૂસ્તરશાત્રી પ્રો. સુકુમાર મેઢ અને ઓ.એન.જી.સી.ના નિવૃત્ત ડિરેક્ટર ડો. વિશ્વાસે
પણ તેમના સંશોધનના આધારે કચ્છ પર ભૂવિસ્ફોટના ખતરાના ઢોલ વગાડયા હતા. એ તરફ થોડું સરખું
ધ્યાન દેવાયું હોત તો આજે ઇતિહાસ જુદો હોત. કચ્છ યુનિવર્સિટીના એક સમયના જિયોલોજી વિભાગના
વડા અને ધરતીકંપ પછીના ગાળામાં સંશોધન દ્વારા નામના મેળવનારા ડો. મહેશ ઠક્કરને પણ આવો
જ કંઇ રંજ છે. થોડાં વર્ષ પહેલાં કચ્છમિત્ર સાથેની વાતચીતમાં ડો. ઠક્કરે કહ્યું હતું
કે, ધરતીકંપ વખતે બચી ગયેલી એકસોથી વધુ જોખમી બહુમાળી ઇમારતો
ઊભી છે. એ વિશે કોઇ નિર્ણય થવો જોઈએ. બાંધકામમાં નિયમો ભૂલાતા જાય છે, એ જોખમી છે. ડો. મહેશ ઠક્કરે કહ્યું કે, 26મી જાન્યુઆરી, 2001ના ભૂકંપના
લગભગ ચાર મહિના પહેલાં તેમણે કચ્છમિત્રનાં માધ્યમથી ધરતીકંપના તોળાતા ખતરા અંગે લાલબત્તી
ધરી હતી અને સ્પષ્ટ લખ્યું હતું કે, ભુજ અને કચ્છના અન્ય શહેરોમાં બંધાતી એક માળ કરતાં વધુ મજલાની ઇમારતો ગેરકાયદે
છે. એ વખતે ભારે તેજીના દિવસો... એ હેવાલ પ્રસિદ્ધ થયા પછી લોકોને બહુમાળી ઇમારતો પ્રત્યે
ડર પેસી ગયો. ફ્લેટ્સનું વેચાણ ઘટી ગયું. (ત્યારે ભુજમાં દોઢ-બે મીટર પહોળાઇની ગીચ
ગલીઓમાં પણ ચાર-પાંચ-છ માળના એપાર્ટમેન્ટ બંધાઇ રહ્યાં હતાં.) કચ્છની બિલ્ડર લોબી અકળાઇ
ગઇ... કલેક્ટરને રાવ પહોંચી. કેમ કે, કરોડોની નુકસાનીનો સવાલ
હતો. ડો. મહેશ કહે છે કે, ત્યારે તેઓ લાલન કોલેજમાં જોડાયા હતા.
તંત્રનું કહેણ આવ્યું કે, બિલ્ડરોના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા
કરવાની છે. ડો. ઠક્કરે એ મીટિંગ માટે શ્રૃંગારપુરેને ભુજ આવવા કહ્યું, પણ પૂર્વ રોકાણને કારણે એ શક્ય ન બન્યું ને બીજા એક ભૂસ્તરશાત્રી આવ્યા. કલેક્ટર
કચેરીમાં 25 બિલ્ડર ને
બે જિયોલોજિસ્ટ. સવાલ ઊઠયો કે, તમે કહો
છો એ મુજબ ધરતીકંપ નજીકના ભવિષ્યમાં થવાનો છે ? જવાબ મળ્યો કે,
જિયોલોજિસ્ટની ભાષામાં નજીકનું ભવિષ્ય એટલે આવતીકાલ પણ હોય, ચાર મહિના પછી હોય, ચાર વર્ષ હોય અને પચાસ-સો વર્ષ પણ
વીતી જાય... મિટિંગમાં બિલ્ડરો હળવા થઇ ગયા. હાસ્યનું મોજું ફરી વળ્યું કે,
આ તો ગપગોળા લાગે છે... કંઇ થવાનું નથી. બરોબર ચાર મહિના પછી બહુમાળી
ઇમારતોમાં સેંકડો લોકો દબાઇને માર્યા ગયા... અફસોસ સિવાય કંઈ બચ્યું નહીં. કચ્છના ભૂસ્તરીય
વારસાને સાચવવાની ભલામણ ભૂસ્તરશાત્રીઓ વારંવાર કરી ચૂક્યા છે. કચ્છ સદીઓ સુધી સલામત
રહે એવી અભ્યર્થના સાથે એટલું જ કહેવું છે, આપણી સલામતી આપણા
જ હાથમાં છે. હા, હવેની સરકાર સક્રિય છે. નિર્ણયો લેવાય છે. ગુજરાત
દેશનું પહેલું રાજ્ય છે જ્યાં જીએસડીએમએ - ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના
થઈ છે. ભૂકંપના ભાવિ જોખમના પ્રતિકાર માટે સૌએ કમર કસવી પડશે, લોકોએ અને સરકારે પણ...