ગાંધીધામ, તા. 3 : ભચાઉ તાલુકાના જસાપર વાંઢ શિકારપુરમાં
ગાંજાની ખેતી પોલીસે પકડી પાડી હતી. પવનચક્કીની ચોકીદારી કરતા શખ્સને ઝડપી લઇ તેના
કબજામાંથી રૂા. 9,46,250ના
ગાંજાનાં વૃક્ષ જપ્ત કરાયાં હતાં. પૂર્વ કચ્છમાં સાયબર સેલે ભીમાસરની સીમમાંથી રૂા.
9.25 કરોડની ગાંજાની ખેતી ઝડપી પાડયા
બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી છે અને હવે ડ્રોન વડે પણ આવી ખેતી શોધવા કાર્યવાહી કરી
રહી છે. વાગડ પંથકમાં હજુ પણ નશાની ખેતી કાર્યરત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, તેવામાં જસાપર વાંઢ શિકારપુરમાં રહેનાર વેસ્ટાસ
પાવરહાઉસમાં ચોકીદાર તરીકે કામ કરનારા રસુલ અબ્દુલ્લા ટાંકે ગાંજાની ખેતી કરી હોવાની
પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જસાપર વાંઢમાં ઓરડી બનાવીને રહેતો રસુલ
સૂતો હતો, તેને જગાડી તેને સાથે રાખીને ઓરડી તથા આંગણાની પોલીસે
તપાસ હાથ ધરી હતી, જેમાં પૂર્વ તરફ નાનકડો દરવાજો ખોલી અંદર જતાં
ત્યાં ગાંજાના કમર સમોવડા 16 છોડ જોવા મળ્યા હતા, જે ગાંજાના હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી
ખરાઇ કરતાં પ્રાથમિક પૃથક્કરણમાં તે ગાંજાના છોડા હોવાનું બહાર આવ્યું હતું. આ 16 છોડનું વજન કરાતાં તેનું વજન
18.925 કિલો જેની કિંમત રૂા. 9,46,250ની આંકવામાં આવી હતી. શખ્સની
અટક કરી તેણે ગાંજાના બીજ ક્યાંથી લીધા હતા અને કોની પાસેથી શીખ્યો વગેરે પૂછપરછ કરાતાં
સત્ય હકીકત તેણે જણાવી નહોતી. પકડાયેલા શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે
તેવું પોલીસે જણાવ્યું હતું.