નવી દિલ્હી, તા. 3 : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વોચ્ચ
નેતા અયાતુલ્લા અલી ખામેનીની હત્યા પર ભારત સરકારના મૌન અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રનું મૌન અચરજ પમાડે
તેવું છે. આ તટસ્થતા નથી પરંતુ જવાબદારીમાંથી પાછળ હટવું છે. આજે એક અંગ્રેજી અખબારમાં
પ્રકાશિત લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું હતું કે પહેલી માર્ચે ઈરાને પુષ્ટિ કરી હતી કે
તેના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનીની એક દિવસ પહેલાં અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં
હત્યા કરવામાં આવી હતી. જ્યારે બે દેશ વચ્ચે ડિપ્લોમેટ કક્ષાની વાતચીત ચાલુ હોય તે
વખતે એક વર્તમાન રાષ્ટ્રાધ્યક્ષની હત્યા અંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગંભીર તિરાડને દર્શાવે
છે. સોનિયાએ લખ્યું હતું કે ભારત સરકારે ન તો હત્યાની નિંદા કરી કે ન તો ઈરાનની સંપ્રભૂતાના
ભંગ અંગે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. મોદીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલાની ઉપેક્ષા
કરી હતી અને માત્ર યુએઈ પર ઈરાનની વળતી કાર્યવાહીની નિંદા કરી હતી. બાદમાં પીએમે ઊંડી ચિંતા અને વાતચીત તેમજ કુટનીતિની
વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ખામેનીની હત્યા કોઈ ઔપચારિક યુદ્ધની ઘોષણા વિના એ સમયે કરવામાં આવી હતી કે જ્યારે વાતચીત ચાલુ હતી.
હત્યાની માત્ર 48 કલાક પહેલાં વડાપ્રધાન ઈઝરાયલ યાત્રાથી પરત આવ્યા હતા. ત્યાં
તેમણે બેન્જામિન નેતાન્યાહૂ સરકારના સમર્થનની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આ એવા સમયે
બન્યું હતું કે જ્યારે ગાઝા સંઘર્ષમાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિક માર્યા જવાથી
દુનિયાભરમાં નારાજગી છે એમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.