ભુજ, તા. 3 : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા
તાજેતરમાં અન્ય માધ્યમની (બિન-ગુજરાતી) શાળાઓ માટે લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણય બાદ
હવે ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં પણ સમાન ધોરણે ભરતી કરવાની માગણીએ જોર પકડયું
છે. શિક્ષણ નિયામકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પત્ર મુજબ, અન્ય માધ્યમની શાળાઓમાં ટેટ પાસ ઉમેદવારો ન
મળતાં હવે સ્થાનિક કક્ષાએથી માત્ર શૈક્ષણિક લાયકાતના આધારે ભરતી કરવાની મંજૂરી અપાઈ
છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અન્ય માધ્યમની શાળાઓમાં ટેટ-1/2 પાસ ઉમેદવારોની અછતને કારણે
બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે. આથી સરકારે કરેલ મુજબની જોગવાઈઓ મુજબ ટેટ પરીક્ષા
પાસ કર્યા વગર ધોરણ 1થી 5 માટે H.Sc. અને PTC તથા ધોરણ 6થી 8 માટે સ્નાતક
અને ઇ.ઊમ. લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને સીધી નિમણૂક આપી શકાશે અને આ ભરતીમાં કોઈ
સ્પર્ધાત્મક પરીક્ષાને બદલે માત્ર PTCકે B.Edમાં મેળવેલ
ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે અને પસંદ થયેલ ઉમેદવારોને 11 માસના કરાર પર માસિક રૂા. 21 હજાર ફિક્સ પગાર ચૂકવવામાં
આવશે. શિક્ષણ જગતના નિષ્ણાતો અને વાલીઓ સવાલ
ઉઠાવી રહ્યા છે કે, જો અન્ય માધ્યમમાં
શિક્ષણ બગડતું અટકાવવા ટેટ વગર ભરતી થઈ શકતી હોય, તો ગુજરાતી
માધ્યમમાં પણ કેમ નહીં ? હકીકત એ છે કે, રાજ્યની સૌથી વધુ ઘટ ગુજરાતી માધ્યમની શાળાઓમાં છે. અન્ય માધ્યમમાં ટેટ વગર
21 હજારના પગારે નિમણૂક અપાય છે, તો ગુજરાતી માધ્યમના હજારો લાયક ઉમેદવાર વંચિત
રહી જવા પામ્યા છે. ગુજરાતી માધ્યમમાં પણ સ્થાનિક કક્ષાએથી PTC/B.Edપાસ ઉમેદવારોની ભરતી કરવામાં
આવે, તો ગામડાની શાળાઓને તાત્કાલિક શિક્ષકો મળી શકે
તેવો સૂર જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. માત્ર અન્ય માધ્યમના જ નહીં, પણ ગુજરાતી માધ્યમના લાખો ગરીબ વિદ્યાર્થી પણ શિક્ષકોની ઘટને કારણે પાયાના
શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ સંગઠનો દ્વારા એવી માગણી કરવામાં
આવી રહી છે કે, જ્યાં સુધી કાયમી ભરતી ન થાય, ત્યાં સુધી ગુજરાતી માધ્યમમાં પણ આ જ પરિપત્ર મુજબ સ્થાનિક કક્ષા એથી લાયકાત
ધરાવતા ઉમેદવારોને કરાર આધારિત નિમણૂક આપવી જોઈએ. જો સરકાર અન્ય માધ્યમ માટે નિયમો
હળવા કરી શકતી હોય, તો માતૃભાષામાં ભણતા બાળકો માટે પણ આ દિશામાં
વિચારવું અનિવાર્ય છે.