• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ભ્રષ્ટાચારનું શરમજનક `સ્તર'

સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર નથી તેવું કોઈ કહે તો તે બાળવાર્તા લાગે. જેમને પ્રત્યક્ષ અનુભવ છે તે તો એમ કહે છે કે, ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી રહ્યું છે. કરોડોનાં કૌભાંડોનાં પ્રકરણ બહાર આવતાં રહે છે. પાનના ગલ્લે કે ચાની કિટલી ઉપર થતી ચર્ચા હોય તો તેને ગંભીર ન ગણાય, પરંતુ ઘટનાઓ જ્યારે નજર સામે આકાર લે છે, ત્યારે ચિંતા, ચિંતન અને ઉકેલ ત્રણેય તરફ દોડવું પડે. આ રાષ્ટ્રવ્યાપી સ્થિતિ છે કોઈ એક રાજ્યમાં, એક પક્ષના શાસનમાં આવું થાય છે તેમ નથી, પરંતુ દાવા બધા કરે છે કે, ભ્રષ્ટાચાર હવે નથી અને બધે આવું થાય છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં કલેક્ટર કક્ષાના ચાર અધિકારી સસ્પેન્ડ થયા છે, જેમાં એકને બાદ કરતાં બધા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ અને કાર્યવાહી હતા. સામાન્ય રીતે ક્લાર્ક, મામલતદાર સુધી આવી કાર્યવાહી થતી હોય છે. કોઈ આઈએએસ-આઈપીએસને સસ્પેન્ડ કરવા કે તેમના વિરુદ્ધ બદલી જેવી કાર્યવાહી કરવી તે પણ સહેલું નથી. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડમાં 25 વ્યક્તિનાં મૃત્યુ થયાં તેમ છતાં જવાબદાર અધિકારીને ફક્ત બદલાવાયા હતા, થોડા સમય પછી તો તેમને સરકારમાં સારાં સ્થાને પણ મૂકવામાં આવ્યા, પરંતુ છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ થોડી જુદી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે તેમના વિરુદ્ધ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી, કાર્યવાહી થઈ અને આખરે તેઓ સસ્પેન્ડ થયા. સુરેન્દ્રનગરના નાયબ મામલતદારના ઘરેથી પણ 67.50 લાખ રૂપિયા રોકડા મળ્યા, સમગ્ર પ્રકરણ 1500 કરોડનું છે.  કલેક્ટર સસ્પેન્ડ થાય તે ઘટના નાની નથી, કમનસીબે ગુજરાત માટે નવી નથી. સુરતનાં ડુમસમાં સરકારી જમીન કોઈ અન્ય વ્યક્તિના નામે કરી 200 કરોડનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ જેમના ઉપર હતો તે વલસાડના કલેક્ટર સુરત હતા, ત્યારે જમીનનું આ કૌભાંડ થયું હતું. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આણંદના કલેક્ટરનું પણ સસ્પેન્શન થયું. અલબત્ત, કારણ ભ્રષ્ટાચાર નહોતું. જો કે, આખરે તો તે કાર્ય પણ હોદ્દાનો જ દુરુપયોગ હતું. સુરતના પૂર્વ કલેક્ટર કે. રાજેશની સામે પણ હથિયાર લાયસન્સ અને જમીન કૌભાંડ અંગે સીબીઆઈએ કાર્યવાહી કરી પછી તેઓ સસ્પેન્ડ થયા હતા. જૂનાગઢના કલેક્ટર વી.જે. રાજપૂત ગેરરીતિને લીધે સસ્પેન્ડ થયા હતા.  જેને સરકારી સેવક-ગવર્નમેન્ટ સર્વન્ટ એવું વિશેષણ અપાયું છે તેવા આ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. આઈએએસ સામે આવી કાર્યવાહી કરતાં પહેલાં નક્કર પુરાવા, સઘન તપાસ જરૂરી છે. જો ઉચ્ચ અધિકારી પણ આ રીતે વિવિધ એજન્સીના, તપાસ કરનારના ધ્યાને આવી જતા હોય તો સરકારમાં વિવિધ સ્તરે તો કેવો ભ્રષ્ટાચાર ચાલતો હશે? સરકાર એમ કહે કે, આખરે ભ્રષ્ટ અધિકારી સામે પગલાં તો લેવાય છે. તે વાત સાચી છે, પરંતુ હવે ભ્રષ્ટાચાર નથી થતો, ઓછો થઈ ગયો છે તેવું નથી. ક્યાંક 200 કરોડ, ક્યાંક 1500 કરોડ... આ રકમ કેટલી તોતિંગ છે ! પ્રજાતંત્રમાં તંત્ર પ્રજાને આ રીતે રંજાડે એ સ્થિતિ સારી નથી. લાંચ આપનારાઓએ પણ સુધરવું પડશે, સ્થિતિ સુધારવી હોય તો. 

Panchang

dd