• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ભૂકંપની ગોઝારી યાદમાંથી થોડું ચૂંટેલું...

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : 2001ના ધરતીકંપને યાદ કરીએ તો કચ્છમાં કેટલીય નિતનવી ગાથા આલેખાયેલી જોવા મળે... આવો વિનાશ સદીમાં જોયો નહોતો... અને આજે પચ્ચીસ વર્ષે સૌ કહી રહ્યા છે... આવો વિકાસ કોઇએ કલ્પ્યો નહોતો... કચ્છ દેશનો ધબકતો જિલ્લો બની ગયો છે. અનોખું અથવા તો અભૂતપૂર્વ શું થયું એ જોઇએ. દેશ - દુનિયામાંથી કચ્છ તરફ સહાનુભૂતિનો ધોધ વહ્યો હતો. એ સહાનુભૂતિ - ભૂતાંડવનાં દૃશ્યોએ સંવેદનાનું મોજું જગાવ્યું... જે બચાવ - રાહત અને નવસર્જન કામગીરીમાં પરિવર્તિત થયું. - બેન્કોએ સર્જ્યો વિક્રમ : આજે ડિજિટલ જમાનો છે. બેન્કિંગ વ્યવહાર અથવા તો લેવડ - દેવડ મોબાઇલનાં માધ્યમથી થઇ રહી છે. અડધી ચાના દસ રૂપિયા કે પાંચ રૂપિયાની કોથમીર માટે ઓનલાઇન પેમેન્ટ ચલણી બન્યું છે. ભૂકંપ પછી સરકારી સહાય, મકાન સહાય, મૃત્યુ સહાય, ઇજા સહાય લાભાર્થીનાં ખાતાંમાં જમા થાય એવો નિયમ થયો અને બેન્કોએ કચ્છમાં ટૂંકા ગાળામાં લાખો નવાં ખાતાં ખોલીને વિક્રમ સર્જ્યો હતો. વિનાશની પ્રથમ વરસીએ કચ્છમિત્રએ પ્રસિદ્ધ કરેલા સંચયમાં નોંધાયું છે કે કચ્છની લીડ બેન્ક દેનાબેન્કે એક વર્ષમાં 55 હજાર અને એ સમયની ગ્રામીણ બેન્કે 70 હજાર નવાં ખાતાં ખોલ્યાં હતાં. બીજી રાષ્ટ્રીયકૃત બેન્કોની કામગીરી જોઇએ તો એક જ વર્ષમાં કચ્છમાં બે લાખથી વધુ નવાં એકાઉન્ટ્સ ખુલ્યાં હતાં, જે એક રાષ્ટ્રીય વિક્રમ હતો. - કેવો હતો માહોલ ? : આજે યુવાવસ્થામાં પહોંચેલી પેઢીને ધરતીકંપની ભીષણતાનો અંદાજ ન હોય એ સ્વાભાવિક છે. નિ:સંદેહ આજે જાગૃતિ આવી છે. કચ્છમાં ઘણાંખરાં મકાનો ભૂકંપપ્રૂફ ડિઝાઇન મુજબ બન્યાં છે. (એવું જ હોય તેવી આશા.) કચ્છમિત્રના એ દિવસોના અંકો પર નજર કરીએ એટલે યાદોની ભૂતાવળ જાગે છે... તત્કાલીન ઓન ધ સ્પોટ અહેવાલોના સારાંશ અત્યારના જનાદેશ માટે તાજા કર્યા છે. પહેલી ફેબ્રુઆરી, 2001ના અંકમાં નિમિષ વોરાનો અહેવાલ છે, `અડધી સદીમાં ભયાનક ભૂકંપની બીજી કારમી થપાટ ખાધા પછી ઐતિહાસિક અંજાર મોટાભાગનું નષ્ટ થઇ ચૂક્યું છે. બચાવ - રાહત કામગીરીની જવાબદારી રિલાયન્સે સંભાળી છે. કાટમાળમાંથી બહાર કાઢવાનાં અભિયાન દરમ્યાન 26મીના પ્રભાતફેરી વખતે દટાઇ ગયેલા છાત્રો પૈકી 35 જીવિત નીકળ્યા છે... અંજાર પંથકના 4000 મૃતદેહ કાઢી શકાયા છે. 78 ગામ ખુંવાર થયાં છે. 80 ટકા શહેર નષ્ટ થઇ ચૂક્યું છે. 1956માં ભૂકંપ વખતે જે વિસ્તાર ચપેટમાં આવ્યો હતો, એ જ વિસ્તારમાં ફરી કાળચક્ર ફરી ગયું છે.' અંજારવાસીઓ માને છે કે એ વખતે રિલાયન્સ કંપનીએ નગરનું રિલોકેશન કરીને ટાઉનપ્લાનિંગ સાથે નવી જગ્યાએ નવાં શહેરનું નિર્માણ કરવાની તૈયારી દર્શાવી હતી. મતભેદને લીધે એવું ન થઇ શક્યું... આજે અંજાર એ જ ગીચતા - ભીડભાડમાં વીંટળાયેલું છે. નિ:સંદેહ અંજાર આજે પૂર્વ કચ્છનું ધમધતું નગર છે. આસપાસના વિસ્તારનું વેપાર-ખેતી-વ્યવસાયનું મથક ભુજ વધુ પથરાયું એવું અંજાર માટે પણ થઇ શકયું હોત. - ભચાઉમાં ભયાવહ સ્થિતિ : આ લખનારે એ જ દિવસે ભચાઉનો પ્રવાસ કરીને અહેવાલ આપ્યો હતો. `કચ્છનું પ્રવેશદ્વાર ગણાતું ભચાઉ સંપૂર્ણ તારાજ થઇ ગયું છે. ગામમાં સમ ખાવા પૂરતી એકપણ આખી દીવાલ બચી નથી. વક્રતા કેવી ધરતીકંપ પહેલાંના યુગમાં ભચાઉ વિસ્તાર કચ્છનો ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તાર લેખાતો, પણ ધરતીકંપ આવ્યો ને ચોમેર મોતની કાલિમા પથરાઇ. આર.એસ.એસ. અને બીજાં સંગઠનોએ પહેલા ચાર દિવસમાં ભચાઉમાં 1500થી વધુ લાશોના અંતિમ સંસ્કાર કર્યા હતા. એ સમયે સૌને હતાશાએ ઘેરી લીધા હતા. ભચાઉના રાયમલ ફોફલના શબ્દો ટાંકવામાં આવ્યા છે કે... `અમે બરબાદ થઇ ગયા... કોઇ ભવિષ્ય નથી... જીવાશે એટલું જીવશું...' રાયમલભાઇને કદાચ ખબર નહીં હોય કે પાણીદાર કચ્છી માનવી નિયતિનાં ચક્રને ઊલટું ફેરવવાની તાકાત ધરાવે છે. આજે ભચાઉ પંથક કચ્છના સમૃદ્ધ વિસ્તારમાં સમાવિષ્ટ છે. - મીઠાં પાણીનું સપનું : ભૂવિસ્ફોટ સાથે કચ્છમાં રણકાંધી અને બીજા વિસ્તારમાં જમીનમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળવાના અહેવાલ બહાર આવ્યા. સૌએ ઉતાવળે એમ માની લીધું કે, સિંધુ-સરસ્વતી નદીનો પ્રવાહ પાછો સપાટી પર આવી ગયો છે. પાણી માટે સદાય તરસ્યા જિલ્લામાં તો સુખદ કલ્પનાનો આનંદ.... આનંદ... પણ એ પાણી ખારું નીકળ્યું અને ધરતીની આંતરિક પ્રક્રિયાના ભાગરૂપે એ બન્યું હતું. - 36 કલાક... : ધરતીકંપની તીવ્રતા જ એવી હતી કે, કચ્છમાં શું અને કોણ બચ્યું હશે એ સવાલ થાય. કચ્છવાસીઓ માટે બધું નજર સમક્ષ હતું, પણ કચ્છ બહાર ગયેલાઓ માટે બેચેની-ઉચાટ, સંતાપ અને સ્નેહીજનોની પીડા પારાવાર... આ લખનાર 26મીએ સવારથી જ જૂનાગઢ પહોંચ્યો... એપાર્ટમેન્ટ્સમાં સાસરાનું ઘર. 8-46 મિનિટે બિલ્ડિંગ અવાજ સાથે ધણધણવા લાગ્યું... ધરતીકંપ છે એ ખબર પડી કે બધા રસ્તા પર... થોડા કલાકો પછી ખબર પડી કે, કચ્છ ખતમ થઇ ગયું છે. સંદેશા વ્યવહાર ઠપ... દીવાન ચોકમાં પોલીસ કચેરીએ જઇને સ્થિતિ જાણવાની કોશિશ કરી... ખબર મળ્યા સૂરજબારી પુલ ક્ષતિગ્રસ્ત થતાં વાહન-વ્યવહાર બંધ છે, બેચેનીભરી રાત વીતી ને બસ પકડી. એક પછી એક વાહન બદલતાં સૂરજબારી પુલ પહોંચ્યો... પગપાળા સામાન સાથે બ્રિજ વટાવ્યો... સામે છેડે ભરચક બસ મળી... રસ્તામાં આધોઇ, ભચાઉ પસાર કર્યા, ભાંગેલાં અંજારમાંથી બસ નીકળી... એ દૃશ્યોની યાદ આજે પણ હચમચાવી મૂકે છે... મોડી સાંજે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ઊતર્યો, ચોમેર ધૂળિયો માહોલ ને અંધકાર... ઠંડી બેસુમાર, ગાયત્રી મંદિર વિસ્તારમાં ઘર... પસાર થતાં છૂટક વાહનોની લાઇટના સહારે પહોંચ્યો... સંયુક્તા કોલોનીમાં રસ્તા પાસે કીર્તિભાઇ-જીતુભાઇ મળી ગયા ને હૃદયનો બંધ તૂટી પડયો... કીર્તિભાઇએ કહ્યું, તું ચિંતા ન કર... ઘરે બધા બરોબર છે... ત્યાંથી નજીક જ ઘર... ઘર થોડી તિરાડ સાથે સલામત ઊભું હતું, સદ્નસીબે પરિવાર પણ સુરક્ષિત... સતત આફ્ટર શોક્સને લીધે બધા ખુલ્લામાં. ટેન્ટ મળ્યા ત્યાં સુધી કાતિલ ઠંડીની રાતો સાડી કે બેડશીટ્સની છત નીચે વીતાવી... બીજા દિવસે સવારે કચ્છમિત્ર પહોંચી ગયા ને જીવનમાં-કારકિર્દીમાં ભાગ્યે જ મળે એવા અનુભવોનો અનંત દોર શરૂ થયો... 

Panchang

dd