• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

મુંબઈ કોણાચી ? : મુંબઈ `આપલી'

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : મુંબઈ કોણાચી ? લગભગ છ દાયકા પહેલાં ભાષાવાર પ્રાંતરચના થઈ, ત્યારે મુંબઈ દ્વિ - ભાષી રાજ્ય હતું - મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્ય અને ભાષા માન્ય હતાં, ત્યારે મુંબઈમાં આંદોલન શરૂ થયું - મુંબઈ સહ સંયુક્ત મહારાષ્ટ્ર ઝાલાચ પાહિજે. મોરારજીભાઈ દેસાઈ મુખ્યપ્રધાન હતા અને આંદોલન હિંસક બન્યું. વડાપ્રધાન નેહરુએ આદેશ આપ્યો - આર્મી બોલાવો. સખત હાથે કામ લો, પણ મોરારજીભાઈએ કહ્યું, આપણી જનતા છે (આ વાત વર્ષો પછી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ લોકસભામાં કહી હતી. આ લખનારે કાનોકાન સાંભળી છે.) હિંસા વધતાં ફ્લોરા ફાઉન્ટન ખાતે પોલીસ ગોળીબાર થયો અને શહીદ થયેલામાં એક ગુજરાતીનું નામ પણ છે - જન્મભૂમિના પત્રકાર ચીમનલાલ શેઠ હતા. આખરે મુંબઈ મહારાષ્ટ્રનું જ છે અને રહેશે, છતાં સુધરાઈની ચૂંટણીમાં આ પ્રશ્ન ઉઠાવાયો છે ! કેન્દ્ર સરકારે ભાષાવાર પ્રાંતરચના કરી, તેમાં ભાષાવાદ ભડક્યો. આ શરૂઆત હતી. આખરે ગુજરાત - મહારાષ્ટ્ર અલગ રાજ્યો થયાં. આટલાં વર્ષ પછી મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરે કહે છે - કેન્દ્ર સરકાર મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને `કેન્દ્રશાસિત' બનાવવા માગે છે - સદ્ભાગ્યે આ વિવાદ લોકોનાં ગળે ઊતરે એવો નથી અને શક્ય પણ નથી. નેહરુએ કરેલી ભૂલનું હવે પુનરાવર્તન શક્ય નથી. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ રદિયો આપ્યો છે કે લોકો મૂર્ખ નથી કે આવી વાત માનીને વોટ આપે. સંયુક્ત મહારાષ્ટ્રનાં આંદોલનમાં પત્રકાર આચાર્ય અત્રે અગ્રણી હતા. આંદોલન સફળ થયા પછી - વર્ષ 1960માં શિવસેનાની સ્થાપના થઈ. શિવાજી સેનાને ઉત્તર ભારતમાં `િશવજી સેના'ની ઓળખ મળી. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે લોકપ્રિય લોકનેતા બન્યા અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન - બીએમસી ઉપર શિવસેનાનો ભગવો ઝંડો ફરક્યો. સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ સુધરાઈ મુંબઈની છે. આ પછી વખત જતાં મુંબઈમાં ભારે પરિવર્તન આવ્યું છે. કોસ્મોપોલિટન સિટી-પચરંગી મહાનગર બોમ્બે હવે મુંબઈ બન્યું છે. દેશભરના લોકો અહીં રોટલો રળવા - અથવા ફિલ્મોમાં `હીરો' બનવા આવે છે. `મદ્રાસી' અને બિહારી - હિન્દીભાષી વસતિ વધી છે. તેથી મૂળ મરાઠી લોકોની બહુમતી રહી નથી, પણ તમામ રહેવાસીઓએ મુંબઈને વહાલું ગણ્યું છે. આઈ લવ માય મુંબઈ ! `આપલી'          મુંબઈ છે. 2017માં સુધરાઈની ચૂંટણી થઈ ત્યારે શિવસેના અખંડ હતી, પણ પહેલી વખત ભાજપે મોદીના જુવાળમાં 82 બેઠક મેળવી અને શિવસેનાને બે વધુ 84 બેઠક મળી. આ પછી ભાજપ - શિવસેનાની સહિયારી રાજ્ય સરકારમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ. શિવસેનામાં ભંગાણ પડયું. એકનાથ શિંદે સાથે સુધરાઈના 38 સભ્ય ગયા. શિંદેસેના અને ભાજપ સાથે અજિત પવાર જોડાયા. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પણ ભંગાણ પડયું. મુંબઈ સુધરાઈની ચૂંટણી નવ વર્ષ પછી થઈ રહી છે અને કસાકસીનો જંગ છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેનો મુકાબલો કરવા માટે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા છે. વાસ્તવમાં શિવસેનાની મરાઠી વોટ બેન્ક હવે શિંદેસેના બની છે. તેથી મરાઠીભાષી વોટ શિંદેનાં ખાતાંમાં જાય - અથવા ઉદ્ધવસેનાના વોટમાં મોટો ભાગ પડાવે એવી શક્યતા - શંકા હોવાથી ઠાકરેબંધુઓએ જૂના મનભેદ ભૂલીને હાથ મિલાવ્યા છે. સવાલ અસ્તિત્વનો છે તેથી જ ભાજપે શિંદેને મનગમતી બેઠકો ફાળવીને મદદ કરી છે! મોદીનાં નામે મરાઠી અને બિનમરાઠી મત મળવાનો વિશ્વાસ ભાજપને છે. ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ચૂંટણી પ્રચારના `શ્રીગણેશ' કરતી વખતે `ગુજરાતી' મુદ્દો છેડયો. બે ગુજરાતી મુંબઈને ખાઈ જશે - ગળી - ઓગાળી જશે એમ કહીને મરાઠી વોટ માગ્યા. `બે ગુજરાતી'નાં નામ હોઠે આવ્યાં નથી, પણ હૈયે તો છે - નરેન્દ્ર મોદી અને અમિત શાહ! 2017ની ચૂંટણીમાં મુંબઈમાં ભાજપે અખંડ શિવસેનાને ભારે ટક્કર આપી હતી અને શિવસેનામાં ભંગાણ પછી વિધાનસભાનો અનુભવ પણ ભુલાયો નથી. રાજકારણ ઉપરાંત અર્થતંત્ર - મુંબઈના વિકાસમાં બે ગુજરાતી - અંબાણી અને અદાણીનું યોગદાન કેટલાકની આંખમાં ખૂંચે છે, પણ ટીકાકારો ભૂલી જાય છે કે મુંબઈના વિકાસમાં એમનો સિંહફાળો છે. - જો આ તમામ યોજનાઓ અને મૂડીરોકાણ મુંબઈ - મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં જ થયું હોત તો ? વિકાસમાં રોજગારીની તક વધી છે અને જીવનધોરણ સરળ બન્યાં છે કે નહીં ? મુંબઈના ઇતિહાસમાં ગુજરાતીઓનું યોગદાન છે. હકીકતમાં ત્યારે ભેદભાવ હતા જ નહીં. ભાઈ - ભાઈ હતા. મુંબઈને આર્થિક મહાનગર બનાવવામાં તમામ બજારો - કાપડ - ટેક્સ્ટાઈલથી લઈને કોમોડિટીઝ સુધી અહીં સ્થપાયા. શિક્ષણ - સ્વાસ્થ્યને પ્રાધાન્ય અપાયું. અહીંની ભૂગોળમાં ઇતિહાસ લખાયો છે. - આટલો બધો વિરોધ શા માટે ? : ગુજરાતી વોટ ભાજપના જ છે - તેથી ગુજરાત અને ગુજરાતી દ્વેષ વધ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં પણ ભાજપે ગુજરાતી સંનિષ્ઠ કાર્યકરોને અન્યાય કર્યો છે એવી ફરિયાદમાં તથ્ય છે. વર્ષ 2016માં 23 જેટલા ગુજરાતી સુધરાઈ સભ્યો ચૂંટાયા હતા આમાં શિવસેનાના - બે અને કોંગ્રેસના એકપણ ન હતા. આ વખતે ભાજપે માત્ર 15 ગુજરાતી અને કોંગ્રેસે પાંચ ઉમેદવાર ઊભા રાખ્યા છે. ગુજરાતી કાર્યકરોને અન્યાય થયો છે. નારાજી છે તે હકીકત છે તે છતાં વોટ તો ભાજપ અને શિંદેસેનાને મળશે, કારણ કે સામા પક્ષે તો ગુજરાતી દ્વેષ જ છે. શિંદેસેનાને વધુ બેઠકો - ઉદ્ધવસેનાથી વધુ મળે તેમ ભાજપ ઇચ્છે છે અને પ્રયાસ કરે છે. ઉદ્ધવસેના સામે શિંદેસેનાનો હાથ ઉપર રહે તે વ્યૂહ હોવાથી એકનાથ શિંદેને છૂટો હાથ અને વધુ બેઠકો ફાળવી છે. દેવેન્દ્ર ફડણવીસની ગણતરી છે કે વડાપ્રધાન મોદીનાં નામ અને મુંબઈમાં થયેલાં વિકાસકાર્યોથી ભાજપને વોટ મળશે, જ્યારે એકનાથ શિંદેને મરાઠી - મુંબઈના મેયર કોણ બનશે? : બંને પક્ષ કહે છે : મરાઠી અને હિન્દુ બનશે, પણ મુંબઈ સુધરાઈનો ઇતિહાસ જુઓ : પારસી, ગુજરાતી અને મુસ્લિમ - ખોજા - મેમણ અગ્રણી હતા. 1931માં જે. બી. બોમન બહેરામ પછીનાં વર્ષોમાં હસનઅલી રહીમતુલ્લા, ખુરશેદ નરીમાન, જમનાદાસ મેહતા, સુલતાન ચિનોય, મથુરાદાસ ત્રિકમજી, યુસુફ મેહરઅલી, મીનુ મસાણી, નગીનદાસ માસ્તર, મોહમદભાઈ રાવજી, એસ. કે. પાટિલ, ગણપત શંકર દેસાઈ, ડાહ્યાભાઈ પટેલ, સુલોચના મોદી, અબ્દુલ કાદર સાલાભાઈ, મીરજકર, બોરાળે, વિષ્ણુપ્રસાદ દેસાઈ, વર્લીકર, એન. એન. શાહ, બંદૂકવાલા, શાંતિભાઈ પટેલ, આર. કે. ગણાત્રા, બોમન બેહરામ, એન. ડી. મેહતા વગેરે. આ મહાશયોએ મુંબઈના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, ત્યારે સુધરાઈની ચૂંટણીમાં રાજકારણી – ભાષાવાદ - કોમવાદનું મહત્ત્વ નહોતું. મુંબઈને બોમ્બે બનાવવામાં નિષ્ઠા હતી. 

Panchang

dd