ડોનાલ્ડ ટ્રમ્પને ગ્રીનલેન્ડમાં રસ છે અને પહેલા કાર્યકાળ દરમિયાન
પણ તેમણે આ ટાપુ ખરીદી લેવાની વાત ઉચ્ચારી હતી. એ વખતે આ સોદાને મોટી એસ્ટેટની ડીલ
તરીકે આગળ કરી હતી અને ડેન્માર્કને આ ટાપુ સાચવવાની આપદામાંથી મુક્ત કરવાની ડંફાશ પણ
મારી હતી. છેલ્લા થોડા દિવસોમાં એકથી વધુવાર ટ્રમ્પ અને તેમના વહીવટ તંત્રના વરિષ્ઠોએ
વારંવાર ગ્રીનલેન્ડને અમેરિકાની આણ હેઠળ લઈ આવવાની વાત ઉચ્ચારી છે. ટ્રમ્પ એક પણ ગોળી
ચલાવ્યા વિના ગ્રીનલેન્ડને અમેરિકા હેઠળ લાવી શકે છે. અખંડ યુનાઈટેડ સ્ટેટ્સમાં ક્યાં
રાષ્ટ્રોની કલ્પના ટ્રમ્પે કરી છે, એ તો તેઓ જ જાણે પણ ભૌગોલિક દૃષ્ટિએ ઉત્તર અમેરિકાનો હિસ્સો એવો વિશ્વનો સૌથી
મોટો આ ટાપુ યુરોપનો ભાગ ગણાય છે અને આ સ્વાયત્ત ક્ષેત્ર પર કિંગ્ડમ ઓફ ડેન્માર્કનું
નિયંત્રણ છે. ડેન્માર્ક નાટોનું સભ્ય રાષ્ટ્ર છે અને તેની પાસે પોતાનું 16,000 સૈનિકોનું સૈન્ય છે, એ જોતાં અમેરિકા માટે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનું
મુશ્કેલ નહીં હોય. અમેરિકન પ્રેસિડન્ટ હેરી ટ્રુમેને 1946માં 100 મિલિયન ડોલરની કિંમતનું સોનું
આપી ડેન્માર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદવાની ઓફર કરી હતી, જે નકારી કાઢવામાં આવી હતી. ત્યારથી અમેરિકાનો
ડોળો આ ટાપુ પર છે. ટ્રમ્પને આ ટાપુમાં રસ છે, કેમ કે,
તેની એક તરફ એટલાન્ટિક મહાસાગર છે અને બીજી બાજુ આર્કટિક ઓશન છે. ગ્લોબલ
વોર્મિંગ-ક્લાયમેટ ચેન્જને કારણે આર્કટિક મહાસાગરમાંના ગ્લેશિયર્સ અને આઈસ શીટ્સ પીગળી
રહ્યા છે, જેના કારણે નવા શાપિંગ રૂટ બનવાની શક્યતાઓ ઊભી થઈ છે,
જેના કારણે વેપારમાં સુગમતા વધી શકે છે. વળી, રશિયા
અને ચીને આર્કટિક મહાસાગરમાં નવા વેપારી માર્ગ વિકસાવવાની તૈયારી દેખાડી છે. ચીન અને
રશિયાનો પગ અહીં પડયો તો એ અમેરિકા માટે સંરક્ષણની દૃષ્ટિએ મોટું જોખમ છે. આથી અમેરિકા
આ વેપારી માર્ગ પર ઈજારો સ્થાપવા થનગની રહ્યું છે. આ વ્યૂહાત્મક મહત્ત્વ ઉપરાંત ગ્રીનલેન્ડ
ખનિજ તત્ત્વો અને ધાતુઓથી સમૃદ્ધ છે. ઈલેક્ટ્રોનિક વ્હિકલ અને બેટરી બનાવવા માટે ઉપયોગી
34 કાચી સામગ્રીમાંથી 25 અહીં મળી આવે છે. વળી, ખનિજ તેલ, ગેસ તથા ગ્રેફાઈટ,
તાંબું, નિકલ, ઝિંક ઉપરાંત
સોનું, હીરા, ટાઈટેનિયમ અને ટંગ્સ્ટન અને
યુરેનિયમ જેવી ધાતુ-ખનિજોનો ભંડાર પણ છે. હાલ આ ક્રિટિકલ રો-મટિરિયલનું વિશ્વનું સૌથી
મોટું નિકાસકાર ચીન છે.