• શુક્રવાર, 25 એપ્રિલ, 2025

મુંદરામાં 37 લાખનાં કોકેઈન સાથે બે પકડાયા

ભુજ, તા. 24 : કચ્છના યુવાનો નશાની નાગચૂડમાં બરબાદ થઈ રહ્યા છે. નશાની આ બદીને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે છાસવારે માદક પદાર્થ ઝડપાવાના બનાવો સામે આવતા રહે છે. બાતમીના આધારે મુંદરો પોલીસે ડમી ગ્રાહક મોકલી આ ગ્રાહકને માદક પદાર્થ આપતાં પોલીસે મૂળ રાજસ્થાનના બે શખ્સને 37 લાખના કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધા છે. આ અંગે મુંદરા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ, ગત તા. 17/4ના મુંદરાના પીઆઈ આર.જે. ઠુમ્મરે ફરિયાદી પીએસઆઈ એન.પી. ગોસ્વામીને સમજ આપી કે, હે.કો. રોહિતગિરિ મગનગિરિ ગોસ્વામીને બાતમી મળી છે કે, દિનેશ ગુજ્જર તથા દલારામ પરિહાર (રહે. બન્ને મૂળ રાજસ્થાન હાલે ભક્તિ પાર્ક-ર, સફાયર હોટેલ સામે, મુંદરા) ગેરકાયદે નશીલા ડ્રગ્સનું વેચાણ કરે છે. આ બન્નેનો ડમી ગ્રાહક દ્વારા માદક પદાર્થની ડિલિવરી આપવા સંપર્ક કરાતાં તેઓ સહમત થયા છે. આમ ડમી ગ્રાહકને ગુરુવારની ભાંગતી રાતે તેઓના ઘર પાસે માદક પદાર્થની ડિલિવરી આપતાં મુંદરા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ બાદ તેઓની અંગઝડતી તથા મકાનની તપાસ કરતાં સેટી પલંગમાંથી માદક પદાર્થ કોકેઈન 37 ગ્રામ જેની કિંમત રૂા. 37,00,000 મળી આવ્યું હતું. આરોપી દિનેશ બિરબલરામ ગુજ્જર અને દલારામ અમરારામ પરિહાર (રહે. બન્ને મૂળ સાંકળ, તા. સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન)ને આ માદક પદાર્થ અંગે પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું કે, આ ડ્રગ્સનું તેઓ વેચાણ કરતા હોઈ તા. 19/4ના દલારામ સાંચોર ગયો હતો અને દિનેશના ઓળખીતા સેન્ડી બિશ્નોઈ (રહે. સાંચોર) પાસેથી વેચાણના ઈરાદે કોકેઈન લાવ્યાનું જણાવ્યું હતું. મુંદરા પોલીસે બેની અટક કરી ત્રણે વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મુંદરાના પીઆઈ શ્રી ઠુમ્મર, એસઓજીના પીઆઈ કે.એમ. ગઢવી તથા મુંદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.પી. ગોસ્વામી, એ.એસ.આઈ. દિનેશ ભટ્ટી, હે.કો. રોહિતગિરિ, દર્શન રાવલ, મથુરજી ફુડેચા, કો. ગૌતમ દવે તથા એસ.ઓ.જી.ના ડ્રાઈવર- હે.કો. મહિપતસિંહ સોલંકી જોડાયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd