મહારાષ્ટ્રનાં રાજકારણમાં ફરીથી `પરિવર્તનનો પવન' શરૂ થયો છે ! ઠાકરે પરિવાર `મહારાષ્ટ્રનાં હિત'માં એકતા સાધવા તૈયાર હોવાનું જણાવાય છે અને
મુંબઈ સુધરાઈની ચૂંટણી પહેલાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ બાળાસાહેબ
ઠાકરેની શિવસેના વચ્ચે સમાધાન થશે એમ લાગે છે. અલબત્ત, આ `સંગમ'
થાય તો તેની અસર રાજ્યનાં રાજકારણ ઉપર પડશે. સંગમ ગંગા યમુનાનો હશે કે
પછી ભૂગર્ભથી સરસ્વતી પણ જોડાશે? અને નેતાઓ જોડાય તો કાર્યકરોની
સ્થિતિ ત્રિશંકુ જેવી થશે ? અલબત્ત, ઉદ્ધવ
ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે માત્ર `મૈત્રી કરાર' થશે ? કે એકમેકમાં વિલીનીકરણ? જો
કે, હજી તો `ભેંસ ભાગોળે...'ની સ્થિતિ છે ત્યાં વિવિધ પક્ષોમાં ધમાધમ... શરૂ થઈ ગઈ છે. ઠાકરેબંધુઓ ભેગા
આવે તો સૌથી કફોડી સ્થિતિ `અસલી શિવસેના'ના સેનાપતિ એકનાથ શિંદેની થાય એમ છે. ભાજપને કદાચ નુકસાન ન થાય અને ભવિષ્યમાં
`મહાયુતિ'નાં વિસ્તરણની શક્યતા જીવંત રહે. જો કે, ઠાકરેબંધુઓની
એકતાથી તેમના પક્ષના નેતાઓમાં પણ આંતરિક સંઘર્ષની શક્યતા નકારી શકાય એમ નથી. ટૂંકમાં
ફરી ગંજીફો ચીપાય અને પાસાં પલટાય એવો તાલ છે. વર્ષ 2006માં રાજ ઠાકરે શિવસેનાના પ્રમુખપદ-
મુખ્યપ્રધાન પદના દાવેદાર હતા અને અલગ થયા. અવારનવાર ભાજપની નજીક ગયા છે પણ રેલવેની
નોકરીઓ માટે પરપ્રાંતીયો હિન્દી ભાષીઓનો વિરોધ થયો. અત્યારે પણ કહે છે - અમે હિન્દુ
છીએ, હિન્દી નહીં ! વળી, હિન્દુત્વનાં
નામે મતો માગનારા પક્ષો એકમેકના ગઢમાં ગાબડાં પાડશે અને જે કારણસર (ઉદ્ધવનું નેતૃત્વ)
રાજે શિવસેના છોડી નોખો ચોકો રચ્યો હતો, એ સમસ્યા ઠેરની ઠેર છે.
આ શરત રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર સ્વીકારશે ? કોંગ્રેસ
સાથે સમજૂતી થશે ? કે પછી હિન્દુ અને હિન્દીનો હઠાગ્રહ સત્તા
માટે છોડાશે ? આ પ્રશ્નોના જવાબ માટે રાહ જોવી પડશે...!