ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
જે.ડી. વેન્સ ભારતમાં છે એવા સમયે જમ્મુ-કાશ્મીરના વિખ્યાત પર્યટન સ્થળ પહેલગામ ખાતે
પ્રવાસીઓને નિશાન બનાવીને આતંકવાદીઓએ કરેલા હુમલાએ દેશમાં રોષની લાગણી ફેલાવી છે. પ્રવાસીઓ
જ્યાં ઘોડેસવારી કરીને જાય છે એ પહાડી ક્ષેત્રમાં ફોજીના ગણવેશમાં આવેલા આતંકીઓએ અંધાધૂંધ
ગોળીબાર કરતાં 24થી વધુ મોતની ભીતિ સેવાઇ રહી છે. નિર્મમ
હત્યાકાંડથી દેશ સ્તબ્ધ છે. કેમ કે, વેકેશનની મજા લેવા ગયેલા પ્રવાસીઓને જ નિશાન બનાવાયા છે. કાશ્મીરીઓનું અર્થતંત્ર
મહદ્અંશે પ્રવાસન આધારિત છે અને ભૂતકાળમાં પ્રવાસીઓ પર હુમલાના ભાગ્યે જ બનાવ બન્યા
છે. કેન્દ્ર સરકારે ઘટનાને અતિ ગંભીરતાથી લઇને એન્ટિ ટેરર ઓપરેશન શરૂ કરી દીધું છે.
અહીં એ નોંધનીય છે કે, અમરનાથ યાત્રા ત્રીજી જુલાઇથી શરૂ થવાની
છે, જેનો મુખ્ય રૂટ પહેલગામ-ચંદનવાડીનો જ છે. આતંકવાદીઓનાં કારનામાને
વડાપ્રધાનથી માંડીને તમામ રાજકીય નેતાઓ અને કાશ્મીરી જનતાએ પણ વખોડી કાઢ્યો છે. એ સ્પષ્ટ
છે કે, કાશ્મીરીઓની રોજીરોટીનો આધાર એવા ટૂરિસ્ટોને નિશાન બનાવવા
એ આતંકવાદી અને તેમના સીમાપાર બેઠેલા આકાઓની નિર્બળતા અને રઘવાટ દર્શાવે છે. જમ્મુ-કાશ્મીરને
દેશની મુખ્ય ધારામાં જોડી દીધા પછી એ ક્ષેત્રનો વિકાસ થવા લાગતાં નાપાક આતંકવાદીઓ હાથમાંથી
સરી જતી બાજી સાચવવા મરણિયા બન્યાનું સમજાય છે. એકસાથે 24થી વધુ લોકોની નિર્મમ હત્યાથી સમગ્ર દેશમાં
દુ:ખની સાથે રોષ છે અને લાગણી એવી છે કે, સરકાર ત્વરિત પ્રતિપ્રહાર કરે. આતંકીઓએ આ હુમલો જેમના ઉપર કર્યો તેમના ધર્મની
તપાસ પહેલાં કરી અને પછી 50 રાઉન્ડ ફાયરિંગ
કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચી ગયા છે અને પરિસ્થિતિની
સમીક્ષા હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી એરબિયાના પોતાના પ્રવાસ વચ્ચેથી
તાત્કાલિક ગૃહમંત્રી શાહનો સંપર્ક સાધીને જરૂરી તમામ પગલાં લેવાં કહ્યું છે. `કાશ્મીરમાં સ્થિતિ બહુ સારી છે', `પર્યટકોની
સંખ્યા સતત વધી રહી છે. હવે શાંતિ બહાલ થઈ ગઈ.' એવા અહેવાલો વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ પોતાની હરકત છોડતા નથી. `હુમલા તો પહેલાં પણ થતા' તેવી દલીલ તરત થાય, પરંતુ
અપેક્ષા એ જ હતી કે, આવો હુમલો કરનારા હવે ડરશે, ગભરાશે પરંતુ એવું થયું નથી. એટલે જ કાશ્મીરમાં રહ્યો-સહ્યો આતંકવાદ નેસ્તનાબૂદ
થાય એવાં પગલાં અનિવાર્ય બન્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કાશ્મીર નેતા ગુલામ
નબી આઝાદે પણ કેન્દ્રને સખત કદમ ભરવા અનુરોધ કર્યો છે. કેન્દ્ર સરકાર અને ગૃહ વિભાગે
ચક્રો ગતિમાન કરી દીધાં છે, જેનો પ્રભાવ આવનારા દિવસોમાં જોવા
મળશે. અગાઉ પ્રવાસીઓને લક્ષ્ય બનાવતી ઘટનાઓ બનતી રહી છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ જાકિર મુસા, હમીદ લહરી, બુરહાન કોકા,
અબ્બાસ, ગાજી, રિયાજ નાઇકૂ,
હુર્રિયત નેતા અશરફ સેહરાઇનો આતંકી પુત્ર જુનૈદ સેહરાઇ, ગાજી હૈદર અને બાસિક અહમદ ડાર જેવા અનેક મોટા આતંકીઓ ઠાર થયા છે. આતંકી સંગઠનોની
કમર તૂટી ગઇ છે. આ જ કારણે હવે સરહદ પારથી જમ્મુ-કાશ્મીરને સતત ટાર્ગેટ કરવા માટે ષડયંત્ર
રચવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં આતંકવાદીઓએ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓ ભરેલી
બસ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં
અને 33 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ
બધું અટકવું જોઇએ. આતંકવાદીઓને હામ, હિંમત અને મોતનો સામાન આપતા પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય હવે આવી પહોંચ્યો
છે. 2019માં બંધારણમાંથી કલમ 370 રદબાતલ થઈ ત્યારબાદ કાશ્મીરમાં
પરિસ્થિતિ નિયંત્રણમાં છે, ધરતી ઉપરનું
સ્વર્ગ ગણાતું આ રાજ્ય ફરી એકવાર પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યું છે. ખીણમાં આશાનો સંચાર થયો
હતો. જો કે, પાકિસ્તાને તેની દુપ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. દર વખતની
જેમ આ વખતે પણ હુમલાની `કડી નિંદા' કરીને અટકી નહીં શકાય. શક્ય તેટલો વહેલો પ્રતિપ્રહાર થાય તે જરૂરી છે.
સેનાએ આતંકવાદીઓને શોધવા માટે સઘન કાર્યવાહી શરૂ કર્યાના પણ અહેવાલ છે, પરંતુ તે બધાની સરખામણીમાં પ્રજાનો રોષ વધારે છે. સ્થાનિક કાશ્મીરી સંસ્થાઓએ કાલે હુમલાના વિરોધમાં
`બંધ'ની હાકલ કરી છે. કાશ્મીર સરકારે કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહેવું જરૂરી
છે. રાજ્યમાં આવતા પ્રવાસીઓ અને વસતા નાગરિકોનાં રક્ષણની જવાબદારી ઓમર અબ્દુલ્લા સરકાર
નિભાવે એવી અપેક્ષા. આંતકવાદ સામે ઝૂકીશું નહીં એવા વડાપ્રધાનના નિર્ધારના સૂચિતાર્થ
પાકિસ્તાન માટે ગંભીર પુરવાર થશે એમ લાગે છે. અમેરિકા અને રશિયા સહિતના દેશોએ આ લડાઇમાં
ભારતની પડખે રહેવાનું એલાન કર્યું છે.