નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના દર વર્ષે જાહેર થતા આંકડામાં
વધતા ગુનાઓની સાથોસાથ એ તથ્ય પણ સામે આવી રહ્યું છે કે, સગીરોમાં ગુનાની પ્રવૃત્તિ વધી રહી છે. પૂણેમાં
સાતમા ધોરણના વિદ્યાર્થી દ્વારા સહકારી વિદ્યાર્થીના બળાત્કાર અને હત્યા માટે બીજા
સાથીને એકસો રૂપિયાની સુપારી આપવાની ઘટના ચોંકાવનારી છે. આરોપી વિદ્યાર્થીનો દોષ એટલો
જ હતો કે,તેણે રિપોર્ટકાર્ડ પર વાલીના નકલી હસ્તાક્ષર કર્યા હતા,
જેની ફરિયાદ વિદ્યાર્થિનીએ શિક્ષકને કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે,
સ્કૂલ મેનેજમેન્ટ પણ આ ગંભીર પ્રકરણ ભીનું સંકેલવામાં લાગ્યું છે. વિદ્યાર્થિનીની
ફરિયાદ પરથી પોલીસે હવે સંપૂર્ણ કેસની તપાસ શરૂ કરી છે, પરંતુ
સમગ્ર ઘટનાક્રમે બાળકોમાં વધી રહેલી ગુનાખોરીની મનોવૃત્તિ ભણી અંગુલિનિર્દેશ કર્યો
છે, જે ન ફક્ત આપણી સામાજિક વ્યવસ્થાને પ્રભાવિત કરી રહી છે,
પરંતુ આપણા બાળકોનાં ભવિષ્યને પણ સંકટમાં નાખી રહી છે. વાસ્તવમાં આ સમસ્યાના
મૂળમાં બાળકો પર સવાર થતી માનસિક તાણ, સહનશીલતાની ઉણપ,
પારિવારિક અને સામાજિક પરિવેશમાં બદલાવ, ઇન્ટરનેટ
અને સોશિયલ મીડિયાની લત જેવાં અનેક મુખ્ય કારણો છે. આ ઘટના ભલે સમયસર પ્રકાશમાં આવી હોય, પરંતુ તેણે કેટલાક સવાલ પણ ઊભા કર્યા છે. શિક્ષણ
સંસ્થાઓને સંસ્કારોનું કેન્દ્ર માનવામાં આવે છે. એમાં આવી મનોવૃત્તિવાળાં બાળકો પર
નજર કેમ નથી રાખવામાં આવતી ? સ્કૂલ મેનેજમેન્ટ આ કેસને દબાવવા
શા માટે માગે છે ? ગુનાહિત ઘટનાઓ અનેક વેળા બદનામીના ડરથી દાબી
દેવામાં આવે છે. બગડતા પારિવારિક અને સામાજિક માહોલને કારણે બાળકોને માનસિક તાણ અને
હતાશા જેવી સમસ્યાઓએ ઘેરી લીધા છે. પશ્ચિમના દેશોથી સ્કૂલનાં બાળકોમાં હિંસક વર્તાવના
સમાચારો તો આવતા રહે છે, પરંતુ આપણા દેશમાં પણ આવી ઘટનાઓ ખરેખર
ચિંતનીય છે. બાળકોને ગુનેગાર બનાવવા પાછળ બહારનું કારણ જ નહીં, પરંતુ પારિવારિક માહોલ પણ કેટલીક હદ સુધી જવાબદાર છે. પરિજનોનું દરેક સાચી-ખોટી
વાતમાં બાળકોનું સમર્થન કરવું તેઓને માર્ગથી ભટકાવી દેવાનું પણ એક કારણ છે. બાળકોને
સહનશીલતા અને આદર્શોનું શિક્ષણ આપવાનું રહેશે. તેમની સાથે ઘર અને સ્કૂલ બન્ને સ્થળે
ખુલ્લા સંવાદને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકોની માનસિક સ્વાસ્થ્યની તપાસ પણ સમયાંતરે
થતી રહેવી જોઈએ. બાળકોને એવો માહોલ આપવાની આવશ્યક્તા છે જેમાં તેઓ સાચા માર્ગે ચાલી
શકે. આમાં શિક્ષકો અને વાલીઓ સાથે સરકારની પણ મોટી ભૂમિકા હોય છે.