• બુધવાર, 13 નવેમ્બર, 2024

કાશ્મીરમાં 370 કલમ ફરી અલગતાવાદ લાવશે

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી સફળતા સાથે સંપન્ન થયા બાદ ત્યાં ચૂંટાયેલી સરકારે શાસન ધુરા સંભાળતાની સાથે હવે આ કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપરાંત વિવાદિત કલમ 370 ફરી લાગુ કરવાનો રાજકીય સંઘર્ષ શરૂ થઇ ગયો છે.   વિધાનસભાની પ્રથમ બેઠકમાં આ 370મી કલમના મુદ્દે ઠરાવ પસાર કરવામાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સની પડખે ઊભા રહીને પીપલ્સ ડેમ્રોક્રેટિક પાર્ટી (પીડીપી), પીપલ્સ કોન્ફરન્સ અને સીપીઆઇ(એમ)એ તેમના ચૂંટણી વચનના પાલનનો સંતોષ વ્યક્ત કર્યો છે, પણ આ ઠરાવે એક લાંબા રાજકીય જંગના સંકેત આપી દીધા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં રાજ્યને પૂર્ણ કક્ષાનો દરજ્જો આપવાનો ઠરાવ તો તમામ પક્ષોએ સાથે રહીને પાસર કરી દીધો છે. મળતા સંકેત મુજબ કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે હકારાત્મક વલણ ધરાવે છે, પણ મુશ્કેલી તો 370ની રદ થયેલી કલમ ફરી અમલી બનાવવાના મુદ્દે છે. સૌ કોઇ જાણે છે કે પાંચમી ઓગસ્ટ, 2019ના આ કલમ રદ થઇ તે સાથે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું. આ વિવાદિત કલમ રદ કરવા પાછળ કેન્દ્ર સરકારે તેને રાજ્યના વિકાસ અને સલામતી માટે મોટા અંતરાયરૂપ હોવાનું કારણ આપ્યું હતું.  સરકારની દલીલ એવી હતી કે 370મી કલમને લીધે રાજ્યમાં આતંકવાદ અને અલગતાવાદ વધી રહ્યો હતો અને રાજ્યના લોકોને રાષ્ટ્રીય પ્રવાહમાં લાવવામાં મુશ્કેલી નડી રહી હતી. બાકી બંધારણીય રીતે 370મી કલમને લીધે જમ્મુ અને કાશ્મીરમાં સંરક્ષણ, વિદેશ અને સંદેશાવ્યવહારને લગતી બાબતો સિવાય તમામ અન્ય મુદ્દા પર પોતાના કાયદા બનાવવાનો અધિકાર અપાયો હતો. આ ખાસ દરજ્જાને લીધે દેશના અન્ય કોઇપણ ભાગના નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં મિલકત ખરીદી શકતા ન હતા અને 356મી કલમ જેવી કલમ ત્યાં લાગુ થઇ શકતી ન હતી.  ખાસ તો દેશમાં આર્થિક કટોકટી લાદવાનાં પગલાં પણ ત્યાં અમલી થઇ શકતા ન હતા.  કેન્દ્ર સરકારનાં મનમાં એવી લાગણી હતી  કે ખાસ દરજ્જાને લીધે જમ્મુ અને કાશ્મીરમાં અન્ય રાજ્યોની જેમ સરળતા સાથે વિકાસ સાધી શકાય તેમ ન હતો. વિકાસના અભાવે  રાજ્યના યુવાનોને રોજગારીની પૂરતી તકો મળતી ન હતી, જેને કારણે તેઓ આતંકના ગેરમાર્ગે ખેંચાતા હતા. આને લીધે આતંકવાદને કાબૂ કરવમાં મુશ્કેલી નડતી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના આ કલમ રદ કરવાના પગલાંને સર્વોચ્ચ અદાલતે પણ કાયદેસરતાની મહોર મારી દીધી છે અને ખાસ દરજ્જો દૂર થયા બાદ રાજ્યમાં સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જણાઇ રહ્યો છે. હવે સવાલ એ છે કે, રાજ્ય વિધાનસભાએ 370મી કલમની બહાલી માટે ઠરાવ તો પસાર કરી દીધો છે, પણ કેન્દ્રની સંમતિ વગર તેનો અમલ અશક્ય છે, તેવા સંજોગોમાં આગળ શું થશે. વળી આટલાં વર્ષ બાદ રાજ્ય સરકારે અલગતાવાદની પ્રતીતિ કરાવતાં ખાસ દરજ્જાને ફરી જાગૃત કરવાની લડતનાં મંડાણ કર્યાં છે તેના ઔચિત્યની ચર્ચા શરૂ થઇ છે.ખરેખર તો દેશની અખંડિતતાની સામે પડકાર ઊભો કરે એવા વચન આપવાથી રાજકીય પક્ષોએ અળગા રહેવાની માનસિકતા કેળવવાનો સમય આવી ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang