• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

નમસ્તે ટ્રમ્પ !

તંત્રી સ્થાનેથી.. : અમેરિકાના પ્રમુખની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર હતી અને પરિણામ જાણવાની ઉત્સુકતા હતી. કારણ કે, અમેરિકાની આર્થિક, વ્યાપાર અને વિશેષ કરીને વિદેશનીતિની અસરથી કોઈ પણ દેશ અલિપ્ત રહી શકે એમ નથી. ઇઝરાયલ - હમાસ યુદ્ધ અને યુક્રેન ઉપર રશિયાના આક્રમણના કારણે વિશ્વયુદ્ધ થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે આગામી જાન્યુઆરીથી અમેરિકાના પ્રમુખપદની જવાબદારી સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર સૌની આશાભરી મીટ મંડાયેલી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાંતિપ્રયાસને હવે સમર્થન મળવાની આશા છે. પ્રમુખ ટ્રમ્પના ઐતિહાસિક વિજયને વડાપ્રધાન મોદીએ વધાવ્યો છે. `માય ફ્રેન્ડ' ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતાં કહ્યું છે, `ભારત અને અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને સહયોગ વધુ બળવત્તર બનશે...' અત્યારે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે બંને નેતા શાંતિ અને સ્થિરતા માટે પ્રયાસ કરશે, સાથે મળીને લોકોનાં જીવન સુધારવા માટે અને વિશ્વશાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સક્રિય બનશે. પ્રમુખ પદના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકા સ્થિત હિન્દુઓને દિવાળીની શુભકામના આપી હતી અને હિન્દુ અમેરિકનોનાં હિત જાળવવાની, રક્ષણ આપવાનું વચન આપ્યું હતું. ડાબેરી અંતિમવાદીઓના `ધર્મવિરોધી એજન્ડા સામે રક્ષણ આપવામાં આવશે. અમે તમારા (ધર્મ) સ્વાતંત્ર્ય માટે લડીશું. મારી સરકાર ભારત અને મારા પરમમિત્ર મોદી સાથેની મૈત્રી - ભાગીદારી વધુ મજબૂત બનાવશે' એમ કહીને ટ્રમ્પે બાંગલાદેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ હિંસાચારનો ભોગ બની છે તેનો ઉલ્લેખ કરીને ટોળાંશાહીને તથા બાંગલાદેશની અરાજકતાને સ્પષ્ટ, સખત શબ્દોમાં વખોડી હતી. ટ્રમ્પના ચૂંટણી ભાષણ પછી હિન્દુ સમાજે સામૂહિક રીતે એમને વોટ આપ્યા હોય તે સ્વીકારાય છે. વિશ્વશાંતિ, વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ અને વ્યાપાર સંબંધ વિકસાવવાની પ્રક્રિયા જાન્યુઆરીમાં વિધિસર સત્તા પરિવર્તન થયા પછી શરૂ થશે, પણ તાત્કાલિક અમેરિકાના વરાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ - એમના પાડોશી દેશ કેનેડામાં પણ હિન્દુઓ ઉપર - મંદિરો ઉપર થઈ રહેલા હુમલાની ટીકા કરે - વખોડે એવી આપણી અપેક્ષા વધુ પડતી નથી જ. ચાર વર્ષ પહેલાં શાસનકાળ દરમિયાન અમેરિકામાં હાઉડી મોદી-મોદી અને ભારતમાં નમસ્તે ટ્રમ્પ - ગાજ્યું અને તેના પડઘા વિશ્વમાં પડયા હતા. હવે વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે જે વિશ્વશાંતિ અને વિકાસ માટે અનિવાર્ય છે. ટ્રમ્પનો વિજય અમેરિકા અને વિશ્વ માટે મહત્ત્વનો છે. જો બાયડનની નબળી નેતાગીરી અને નીતિઓને અમેરિકાની જનતાએ જાકારો આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની કામગીરી એકંદરે નોંધપાત્ર છતાં બાયડનની નબળી કામગીરી તેમને આડી આવી છે એમ કહી શકાય. ટ્રમ્પે ન માત્ર વ્હાઇટ હાઉસમાં બીજીવાર પ્રવેશ કર્યો છે બલ્કે ઉપલાં સદન (સેનેટ)માં પણ બહુમતી મેળવી લીધી છે. ટ્રમ્પનાં આગમનથી ઇરાન, પાકિસ્તાન, તુર્કી જેવા કટ્ટરપંથી દેશોના પેટમાં તેલ રેડાયું છે. ઇરાનનું શેરમાર્કેટ ક્રેશ થયું છે. અમેરિકા અત્યારે મંદીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. ટ્રમ્પે પરિણામ પહેલાંના સંબોધનમાં દેશને ફરી મહાન બનાવવાનું વચન આપ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વિસ્થાપિતોનો પ્રશ્ન મોટો છે. એ ઉપરાંત અર્થતંત્રને ગતિ આપવી, યુક્રેન યુદ્ધ રોકવું, રાષ્ટ્રીય સલામતી સહિતના મુદ્દાનો ભરચક એજન્ડા છે. તેમની કાર્યપદ્ધતિ અને નિર્ણયો પર નજર રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang