• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

IPL મિની ઓક્શન 16 ડિસેમ્બરે

મુંબઈ, તા.26 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027ની સિઝન માટે ખેલાડીઓની હરાજી આગામી 16 ડિસેમ્બરે ગોવા ખાતે યોજાશે. આ મેગા ઇવેન્ટ પૂર્વે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ 15 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની આખરી યાદી સુપરત કરવી પડશે.  રસપ્રદ બાબત એ છે કે 16 ડિસેમ્બરે જ બેંગલુરુમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન ડે પણ રમાવાની છે. પાછલા ત્રણ વર્ષથી આઇપીએલ ઓક્શન વિદેશમાં યોજાઈ રહ્યું હતું. જેમાં 2024માં દુબઈ, 2025 માટે જેદ્દાહ અને 2026માં અબુ ધાબી ખાતે બોલી લાગી હતી. ફ્રેન્ચાઇઝી માલિકો, કાચિંગ સ્ટાફ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ, હોટેલ અને લોજિસ્ટિક્સ પાછળ થતા જંગી ખર્ચ અને મેનેજમેન્ટની મુશ્કેલીઓને ધ્યાને રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ વખતે હરાજીનું આયોજન સ્વદેશમાં કરવાનો નિર્ણય લીધો છે. રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ હરાજી માટે ઉપલબ્ધ ખેલાડીઓની પ્રાથમિક યાદી તમામ ટીમોને મોકલશે.  ફ્રેન્ચાઇઝીઓ પોતાની જરૂરિયાત મુજબના શોર્ટલિસ્ટ ખેલાડીઓની પસંદગી કરશે, જેના આધારે અંતિમ લિસ્ટ અને ખેલાડીઓના વિવિધ સેટ્સ તૈયાર થશે. આ વ્યૂહાત્મક પ્રક્રિયા પાછળનો હેતુ એ છે કે ટીમો હરાજીના ટેબલ પર અસમંજસમાં ન મુકાય. ડેથ ઓવર્સના ઝડપી બોલરો, મિડલ ઓવર્સમાં વિકેટ ઝડપતા સ્પિનરો કે પાવર હિટર બેટ્સમેનોની  ટીમોને  જરૂર  છે, તેનું પૂર્વ મૂલ્યાંકન કરી શકાય.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd