આસન (દ. કોરિયા) તા.9: ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહા કોરિયા માસ્ટર્સ સુપર-300 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં અશ્મિતાએ ચીની ખેલાડી હાન કિયાન વિરૂધ્ધ
પ્રથમ ગેમમાં હાર સહન કરી હતી. આ પછી શાનદાર વાપસી કરીને બાકીની બે ગેમ પોતાના નામે
કરી ખિતાબ કબ્જે કર્યો હતો. ફાઇનલમાં અશ્મિતા ચાલિહાનો 14-21, 21-14 અને 21-14થી ભવ્ય વિજય થયો હતો. 26 વર્ષીય આસામની ખેલાડીનો આ પ્રથમ બીડબલ્યુએફ ખિતાબ
છે. વિશ્વ ક્રમાંકમાં 35મા નંબરની અને આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં રજત
ચંદ્રક જીતનાર ચીન ટીમમાં સામેલ હાન કિયાન સામે અશ્મિતા ચાલિહાની આ પ્રથમ જીત છે. આ
સાથે જ સતત બીજા સપ્તાહમાં ભારતીય મહિલા ખેલાડીએ બીડબલ્યુએફ વર્લ્ડ ટૂ2 ખિતાબ જીત્યો છે. આ પહેલા ગત સપ્તાહે તન્વી શર્મા તાઇપે ઓપનમાં ચેમ્પિયન બની હતી.
અશ્મિતા ચાલિહા હાલ વિશ્વ ક્રમાંકમાં 50મા સ્થાને છે. તેનો આ પ્રથમ બીડબલ્યુએફ ખિતાબ
છે.