• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

મેઘપર બોરીચીની ટેન્ડર પ્રક્રિયાના વિલંબથી સવાલો ઊઠયા

ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીની ગટર લાઈનનો લગભગ 86 કરોડનો, 106 કરોડના પાણીના પ્રકલ્પની ટેન્ડર પ્રક્રિયામાં વ્યાપક વિલંબથી અનેક સવાલો ઊઠી રહ્યા છે. 188 ચોરસ કિલોમીટર વિસ્તારની કોર્પોરેશનના જવાબદારોની નિષ્ફળતાના કારણે કોઈ નિર્ણય થતા નથી, પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ બંને ગામની ટેન્ડર પ્રક્રિયા લાંબા સમયથી અટવાયેલી હોવાથી હજારો લોકો પીવાનાં પાણીની અને ગટરની ગંભીર સમસ્યાથી પીડિત છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

બે એજેન્સી વિવાદમાં

બંને ગામની કુલ લગભગ 192 કરોડની બંને યોજનાની ટેન્ડર પ્રક્રિયાના વિલંબથી વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પરાણે એજન્સીને ક્વોલિફાઈ કરવા માટે પરિશ્રમ કરાતો હોવાનો જાણકારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના કહેવા મુજબ જે ટેન્ડર આવ્યાં છે, તેમાં એકથી બે એજન્સી વિવાદાસ્પદ છે. એક એજન્સી ઉપર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, તો બીજી એજન્સી ઉપર અન્ય જગ્યાએ જે કામો તેમણે કર્યાં છે અને તેમાં જ વિવાદો હોવાના આક્ષેપો થયા છે, તેનો ઉલ્લેખ તેમણે કાગળોમાં કર્યો નથી.

ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર નથી કરાતી

3-એનું ક્રોસ વેરિફિકેશન કરવાની પ્રક્રિયા થતી હોવાનું બહાર આવી રહ્યું છે. જે બંને એજન્સી વિવાદમાં છે તેમને આ ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર કરી શકાય છે અને અન્ય એજન્સીઓ જે ક્વોલિફાઈ થતી હોય તેને કામગીરી સોંપી શકાય છે, પરંતુ જવાબદારો દ્વારા આવું કરાતું ન હોવાના આક્ષેપો જાણકારો દ્વારા કરાઈ રહ્યા છે, હવે તો જે એજન્સીએ પીએમસી તરીકે આખો પ્રકલ્પ તૈયાર કર્યો છે, તે પણ વિવાદમાં છે તેની પણ તપાસ કરવી અત્યંત જરૂરી છે, પરંતુ જે પણ પ્રક્રિયા કરવાની થાય તે ઝડપથી થવી જોઈએ તે થતી નથી.

ગંભીર ગટર સમસ્યા

હાલના સમયે મેઘપર બોરીચી અને કુંભારડીમાં ગટર અને પાણીની ગંભીર સમસ્યા છે. ખાસ કરીને બોરીચીમાં માર્ગો ઉપર અને આસપાસના વિસ્તારોમાં ગટરનાં દૂષિત પાણી ભરાયેલાં છે. સમસ્યાનું સમાધાન આવતું નથી, લાઈનો નખાયા પછી જ સમસ્યા હલ થાય તેવી સ્થિતિ છે, હવે જે એજન્સીએ પીએમસી તરીકે આ પ્રકલ્પો તૈયાર કર્યા છે, તેમને અલગ અલગ વિસ્તાર લીધા છે કે નહીં તે સહિતના અનેક સવાલો ઊઠી રહ્યા છે. લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે તાકીદે પગલાં ભરવાં જરૂરી છે.

ડે.કમિશનર- સિટી ઇજનેર વચ્ચે પત્ર યુદ્ધ

મેઘપર બોરીચી અને કુંભારડીના ગટર અને પાણીની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબના કારણે નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઇજનેર વચ્ચે પત્ર યુદ્ધ થયું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે સિટી ઇજનેરને પત્ર લખીને મેઘપર કુંભારડી તથા મેઘપર બોરીચીના ગટર તથા પાણી યોજનાનાં ટેન્ડરના ફિઝિકલ ડોક્યુમેન્ટ ખોલવાના 15 દિવસ વીતી ગયા છતાં ડોક્યુમેન્ટની ચકાસણી પૂરી થઈ નથી આ ગંભીર બાબત છે, જવાબદારો પાસેથી ખુલાસો મેળવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું, તો સામે સિટી ઇજનેર મયંક શાહે નાયબ મ્યુનિસિપલ કમિશનરને વળતો પત્ર લખીને ટેન્ડરમાં ભાગ લેનારા ઇજારદાર દ્વારા અમુક ઇજારદારની સામે વાંધા લીધા છે, જેની ચકાસણીની પ્રક્રિયા પ્રગતિમાં છે અને કામગીરીમાં ભાગ લેનારા ઇજારદારના 3-એ વેરિફિકેશનની કામગીરી પ્રગતિમાં છે. ટેન્ડર ડોક્યુમેન્ટની ચકાસણીની કામગીરી પ્રગતિમાં હોઈ આ કામગીરીમાં વિલંબ થયો છે. આ બાબતે કોઈનો ખુલાસો પૂછવાનો રહેતો નથી તેવો જવાબ આપવામાં આવ્યો છે. આ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર મગનું નામ મરી નથી પાડતા.

Panchang

dd