• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કલ્યાણપરમાં દુ:ખાવો દૂર કરવાનાં બહાને આધેડ પાસેથી 61 હજારની માલમતા પડાવાઈ

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના કલ્યાણપરમાં દુ:ખ મટાડી દેવાનાં બહાને વશીકરણ કરી ત્રણ શખ્સે આધેડ પાસે સોના-ચાંદીના દાગીના સહિત કુલ 61 હજારની માલમતા લઈ ગયા હોવાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. ગઈકાલે બપોરના 1 વાગ્યાના અરસામાં બનાવ અંગે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા મેપાભાઈ માલાભાઈ રબારીએ થરાદના આરોપી રમેશનાથ, નરેશનાથ, આંબાનાથ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સફેદ રંગની ગાડીમાં આવેલા ત્રણેય આરોપીએ ફરિયાદીના હાથનો દુ:ખાવો મટાડી આપવાનો વિશ્વાસ અપાવી વિધિ કરવાના બહાને વશીકરણ કરીને એક લોટામાં સોનાનું થોરીયું  ચાર ગ્રામ કિં. રૂા. 40 હજાર, સોનાનું હોક પગલું 1.5 ગ્રામ કિં. રૂા. 15 હજાર, ચાંદીનો ખજૂરો (ચેન) 35 ગ્રામ કિં .રૂા. 4500 તથા રોકડા રૂા. 1500  મૂકાવ્યા હતા ત્યારબાદ તહોમતદારો  આ તમામ આભૂષણો અને રોકડા લઈ ગયા હતા. આ ગુનામાં સામેલ આરોપીઓને લોકોએ પકડીને પોલીસને સોંપયા હોવાના અહેવાલ સાંપડયા હતા. તહોતદારોએ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારનું કારસ્તાન કર્યું હોવાનાં પગલે પૂર્વ કચ્છ પોલીસની ટીમ આરોપીઓને તપાસ અર્થે રાજ્યબહાર લઈ હોવાની વિગતો મળી હતી. આ અંગે રાપર પી.આઈ.નો સંપર્ક શકય ન બનતાં વધુ વિગતો મળી ન હતી.

Panchang

dd