નવી દિલ્હી, તા. 9 : ભારત અને ચીન વચ્ચે સતત વાતચીતનો દોર ચાલી રહ્યો
છે. બન્ને દેશના અધિકારીઓ વચ્ચે મંત્રણા થઈ હતી. આ દરમિયાન ભારતે ભાર મૂકીને કહ્યું
હતું કે, ચીન ફરીથી બ્રહ્મપુત્ર નદીનાં
પાણીનાં વહેણ અંગે ડેટા શેર કરવાની શરૂઆત કરે. ભારત તરફથી આ મુદ્દો એવા સમયે ઉઠાવવામાં
આવ્યો છે જ્યારે ચર્ચા થઈ રહી છે કે ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી ઉપર મેટા ડેમ પ્રોજેક્ટ
બનાવી રહ્યું છે. આ નદી ચીનથી અરુણાચલ થઈને ભારતમાં પ્રવેશ કરશે છે. પછી બાંગલાદેશના
રસ્તે સમુદ્રમાં જઈને મળે છે. આ વહેણથી બન્ને દેશના લાખો લોકોની પાણીની જરૂરિયાત પૂરી
થાય છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર શુક્રવારના રોજ દિલ્હીમાં
મળેલી બેઠકમાં ચીન પક્ષ સમક્ષ બ્રહ્મપુત્ર નદીનો મુદ્દો મુખ્યપણે ઉઠાવવામાં આવ્યો હતો.
ભારતીય પક્ષે સીમા પાર વહેતી નદીઓ ઉપર વિશેષ બેઠક જલ્દી બોલાવવા કહ્યું હતું. મંત્રાલયે
કહ્યું હતું કે, બન્ને દેશે વિવાદાસ્પદ સરહદે શાંતિ અને સ્થિરતા
જાળવી રાખવા સહમતી વ્યક્ત કરી હતી. સાથે જ વાતચીત માટે વર્તમાન રાજદ્વારી ચેનલનો ઉપયોગ
કરવા તૈયારી બતાવી હતી. ચીને બ્રહ્મપુત્ર નદી ઉપર દુનિયાનો સૌથી મોટો પ્રેજેક્ટ શરૂ
કરવાનું એલાન કર્યું હતું. આ એલાનથી ભારતની ચિંતામાં વધારો થયો હતો. ચીન ડેમને બનાવવા
માટે 1.2 ટ્રિલિયન યુઆન ખર્ચ કરવાની યોજના બનાવી ચૂક્યું છે. આ યોજનાથી બ્રહ્મપુત્રનાં વહેણમાં
કમી આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.