ભુજ, તા. 9 : ગઇકાલે બાતમીના આધારે એલસીબીએ
વરનોરાના તળાવ પાસેથી ગેરકાયદે રીતે રાખેલી દેશી બંદૂક સાથે ગામના શખ્સને ઝડપી લીધો
હતો. ગઇકાલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે,
વરનોરા ગામથી થોડે દૂર કાચા રસ્તે જતા તળાવ નજીક એક શખ્સ બાવળોની ઝાડીમાં
શંકાસ્પદ હાલતમાં હાજર છે. આથી પંચોને સાથે રાખી પરવાના વિનાની સિંગલ બેરલની દેશી બનાવટની
બંદૂક કિં. રૂા. 1000 તથા બે મોબાઇલ
કિં. રૂા. 2000 એમ કુલ્લે રૂા. 3000ના મુદ્દામાલ સાથે સબીર અબ્દુલ
મમણ (રહે. વરનોરા નાના)ને ઝડપી લીધો હતો. આ બંદૂક તેણે ઓસમાણ ગની ઉર્ફે કારો ઇસ્માઇલ
મમણ (રહે. નાના વરનોરા) પાસેથી ખરીદ્યાની કેફિયત આપતાં એલસીબીએ બન્ને વિરુદ્ધ માધાપર
પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ઓસમાણને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ
કામગીરીમાં એએસઆઇ અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઇ ભટ્ટ, હેકો. ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી, રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, શ્યામદાન ગઢવી અને જીવરાજભાઇ ગઢવી જોડાયા હતા.