રાજકોટ, તા. 19 : ન્યૂઝીલેન્ડ
સામેની વન-ડે શ્રેણીની 1-2ની હાર પછીથી ટીમ ઇન્ડિયાનો
કપ્તાન શુભમન ગિલ અને અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા નિશાન પર છે.
વિવેચકોનું માનવું છે કે રવીન્દ્ર જાડેજાની વન-ડે કેરિયર પર હવે પૂર્ણવિરામની જરૂર
છે. તેણે પોતાની આખરી વન-ડે મેચ લગભગ રમી લીધી છે. જે ઇન્દોરમાં રવિવારે
ન્યૂઝીલેન્ડ સામેની હતી. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં રવીન્દ્ર જાડેજા
બોલિંગ-બેટિંગથી નિષ્ફળ રહ્યો હતો,
જ્યારે કપ્તાન શુભમન ગિલે બે અર્ધસદી કરી, પણ
નિર્ણાયક વન-ડેમાં જે રીતે પોતાની વિકેટની ભેટ ધરી એથી તેની ટીકા થઇ રહી છે. હવે આ
બન્ને ખેલાડી ફોર્મવાપસી માટે રાજકોટમાં એક-બીજા સામે ટકરાશે. રવીન્દ્ર જાડેજા
સૌરાષ્ટ્ર તરફથી આગામી રણજી ટ્રોફી મેચ રમવાનો છે. તો શુભમન ગિલ પંજાબ ટીમનો
હિસ્સો બનશે. સૌરાષ્ટ્ર અને પંજાબ ટીમ વચ્ચેની રણજી ટ્રોફી મેચ રાજકોટના નિરંજન
શાહ સ્ટેડિયમ ખાતે 22 જાન્યુઆરીથી શરૂ થવાની છે. અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીની સેમિફાઇનલમાં સૌરાષ્ટ્રનો
પંજાબ સામે વિજય થયો હતો. શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજા 21મીથી
શરૂ થતી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની પાંચ મેચની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં સામેલ
નથી. વિશ્વ કપ પણ રમવાના નથી. જાડેજા તો આમ પણ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ
જાહેર કરી ચૂક્યો છે. આથી બન્ને રણજી ટ્રોફીનો હિસ્સો બનશે તેવી પૂરી સંભાવના છે.
ગિલ હજુ સુધી આ સિઝનમાં રણજી ટ્રોફી રમ્યો નથી. છેલ્લે તે ગત સિઝનમાં કર્ણાટક સામે
રમ્યો હતો. જાડેજા આ સિઝનમાં જ સૌરાષ્ટ્ર તરફથી મધ્યપ્રદેશ વિરુદ્ધ રણજી ટ્રોફી
મેચ રમ્યો હતો. સૌરાષ્ટ્ર ટીમે પાંચ મેચમાંથી ફક્ત એકમાં જ જીત મેળવી છે. ચાર મેચ
ડ્રો કરી છે. આથી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવું ઘણું કઠિન છે. આ સામે પંજાબના ખાતામાં
પાંચ મેચમાં એક જીત, એક હાર અને ત્રણ ડ્રો મેચ છે. તેની સ્થિતિ પણ નબળી છે.