મુંબઇ, તા. 11 : વૂમન્સ પ્રીતિમયર લીગ (ડબલ્યુપીએલ)ની
ચોથી સિઝનમાં દિલ્હી કેપિટલ્સને સતત બીજી હાર મળી છે. રોમાંચક મેચમાં ગુજરાત જાયન્ટ્સનો
દિલ્હી સામે માત્ર ચાર રનના અંતરથી વિજય થયો હતો. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 210 રનના લક્ષ્યાંક સામે દિલ્હી
20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવી શકી હતી. લૌરા વોલવાર્ટે
77 રન બનાવ્યા હતા. લિજેલ લીએ
86 રન બનાવ્યા હતા. જોકે, અંતિમ ઓવરોમાં રસાકસી છતાં દિલ્હીની ટીમ 205 રને અટકતાં હારી હતી. ગુજરાત
તરફથી સોફી ડિવાઇન અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ ખેરવી હતી. આ અગાઉ ડબલ્યૂપીએલની આજની મેચમાં દિલ્હી કેપિટલ્સ
વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 209 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
ગુજરાત ટીમે સતત બીજી મેચમાં 200 પ્લસ ટોટલ
બનાવ્યો છે. પહેલી મેચમાં યુપી વોરિયર્સ વિરુદ્ધ 207 રન કર્યા હતા. આજની મેચમાં સોફી ડિવાઇને ફકત 42 દડામાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાથી 9પ રનની વિસ્ફોટક
ઇનિંગ્સ રમી હતી. તેણીએ દિલ્હીની અનુભવી સ્પિનર સ્નેહ રાણાની એક ઓવરમાં 32 ઝૂડીને લીગનો નવો રેકોર્ડ બનાવ્યો
હતો. સોફી ડિવાઇન અને બેથ મૂની (19) વચ્ચે પહેલી
વિકેટમાં 49 દડામાં 94 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
કપ્તાન એશ્લી ગાર્ડનરે 26 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાથી 49 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
આથી ગુજરાત જાયન્ટ્સ ટીમના 20 ઓવરમાં 209 રન થયા હતા. દિલ્હી કેપિટલ્સ
તરફથી સ્પિનર નંદની શર્માએ 33 રનમાં પ વિકેટ
લીધી હતી.