• ગુરુવાર, 26 જૂન, 2025

148 વર્ષમાં પહેલીવાર પાંચ સદી છતાં હાર

નવી દિલ્હી, તા. 25 : ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની આંચકારૂપ હાર સાથે યુવા ભારતીય ક્રિકેટ ટીમના નામે એકથી વધુ અણગમતો રેકોર્ડ નોંધાયા છે. 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એવું પહેલીવાર થયું છે કે કોઇ ટીમે મેચમાં પાંચ સદી કરી હોવા છતાં અંતમાં હાર સહન કરવી પડી હોય. લીડસ ટેસ્ટમાં ગિલની ટીમે પ સદી કરી હતી. આમ છતાં તેનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ વિકેટે પરાજય નોંધાયો હતો. આ પહેલા 1928-29માં એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા તરફથી મેલબોર્ન ટેસ્ટમાં 4 સદી થઇ હતી. એ મેચમાં ડોન બ્રેડમેને તેમની પ્રથમ સદી (112) પણ કરી હતી. આમ છતાં અંતમાં ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની હાર થઇ હતી. આ ઉપરાંત વિરાટ કોહલીની જેમ રિષભ પંતની સાથે પણ એક અણગમતો રેકોર્ડ જોડાયો છે. પંતે લીડસ ટેસ્ટમાં બે સદી કરી હતી. છતાં ટીમ ઇન્ડિયા હારી છે જ્યારે કોહલીએ 2014 એડિલેડ ટેસ્ટમાં બન્ને દાવમાં સદી કરી હતી. ત્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. 371 રનનો વિજય લક્ષ્યાંક સર કરવો ઈંગ્લેન્ડનો બીજો શ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા ભારત વિરુદ્ધ જ 2022માં 378 રનના વિજય લક્ષ્યનો પીછો કરી જીત મેળવી હતી. લીડસ ટેસ્ટમાં કુલ 1673 રન થયા હતા. બન્ને દેશ વચ્ચેના ટેસ્ટ ઇતિહાસમાં આ સૌથી વધુ રન છે. ઓવરઓલ ત્રીજો સૌથી વધુ સ્કોર છે. 1948માં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં 1723 રન થયા હતા. જે રેકોર્ડ હજુ અકબંધ છે. યોગાનુયોગ આ મેચ પણ લીડસમાં રમાઈ હતી. આ સૂચિમાં બીજા સ્થાને ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની 2022નો ટેસ્ટ છે. જેમાં ટોટલ રન 167પ થયા હતા. આ ટેસ્ટમાં ભારતે કુલ 83પ રન બનાવ્યા હતા. કોઇ ટીમની હાર સાથે ચોથો સૌથી મોટો સ્કોર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd