માંડવી, તા. 25 : આજે માંડવી તાલુકાની ગ્રામ
પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરાયા પછી જાહેર થતાં પરિણામો થકી ક્યાંક હાશકારો, તો ક્યાંક આંચકા અનુભવાયા હતા. સવારથી રસિકો
અને સમર્થકોનાં ટોળાં માંડવી-મસ્કા રોડ ઉપર વહેવા લાગ્યાં હતાં. ટાઢોળામાં ગરમીનો અહેસાસ
રાજકીય રંગોએ અનુભવ્યો હતો. આ તાલુકા પંચાયતના પ્રમુખના ગામ મોટા લાયજામાં `ગઢ આલા પણ સિંહ ગેલા' જેવું ચિત્ર ઊપસતાં માથું ખંજવાળવાનો વારો આવ્યો
હોવાનું સજાગ નાગરિકોએ કહ્યું હતું. મતોમાં અણધાર્યા વિભાજને કલ્પના બહારનાં પરિણામો
પાધરાં કર્યાં હતાં. આપસી જૂથબંધી, એકબીજાને વેતરી નાખવાની માનસિકતા
અને અકથ્ય અજંપો કે કચવાટે નેવાનાં પાણી મોભેથી વહેવડાવ્યાં હતાં. આ તાલુકામાં પેટાચૂંટણી
સહિત એકંદર 12 ગ્રામ પંચાયતોના
ચુનાવી પરિણામો જાહેર થઇ જતાં માંડવી-મસ્કા રોડ ઉપર સર્જાયેલો લોશાહી મેળાનો માહોલ
વિખેરાવા માંડયો હતો. પાછા પગ ભરી રહેલા ટોળાંઓમાંથી ક્યાંક આનંદના અતિરેકરૂપ કિલકારીઓ, તાળીઓના ગુંજન નજરે ચડતા હતા, તો ક્યાંક વિલાયેલા મોઢા ઉપરની માયુસી છતી થતી હતી. વિવિધ યોજનાઓમાંથી કરાતા
વિકાસકામો અર્થે ઠલવાતી ધનરાશિને કારણે યશનામી થવાની સંભાવના, કોઇકવાર રસદાર અને કસદાર પદ પ્રાપ્તિની લાલસા અને દિનબદિન પ્રજાજાગૃતિના પ્રવાહોમાં
થતી પાકટ માનસિકતા છેવાડાના મતદારની રગને કળવા ન દેતી હોવાથી તબેલે તાળાં માર્યાં હોય
તો પણ દીવાલ કૂદીને અશ્વો છૂટી જતા હોય એવી વાસ્તવિકતા હવે ચર્ચાનો વિષય બની રહી છે.
ક્યાંક સીધી ટક્કર, તો ક્યાંક ત્રિકોણી, ચતુષ્કોણીય હરીફાઇએ સમીકરણો બદલી નાખ્યા હતા. - દુર્ગાપુર : બંદરીય શહેરના પાદર સમા દુર્ગાપુર ગામે
સરપંચ પદે નેહાબેન અલ્પેશ ધોળુ (1491) નજીકના પ્રતિસ્પર્ધી
રુક્શાનાબેન અબ્દુલ્લા રાઠોડ (945)ને 546 મતોના તફાવતથી હરાવી ચૂંટાઇ
આવ્યા હતા. અહીં વોર્ડ-1માં આદિ જનજાતિ
ઉમેદવાર નહીં ઊતરતાં આ બેઠક ખાલી રહી જ્યારે અમીનાબાઇ જુસબ હજામ (વો.-2), ગુલામ આદમ પઠાણ (વો.-3), લીલબાઇ કમલેશ સિંચ (વો.-4), અંજના શંકર પાતાળિયા (વો.-5), આફરીન સલીમ સુમરા (વો.-6), લક્ષ્મીબેન શાંતિલાલ લિંબાણી
(વો.-7), કેશવજી જુમા મહેશ્વરી (વો.-8), રાહુલ દિનેશગિરિ ગોસ્વામી
(વો.-9) અને કમલેશ ગાંગજી શિરોખા સદસ્યો
તરીકે વિજેતા થયા હતા. - બાયઠ : સીધી સ્પર્ધામાં સરપંચ પદે મોહમદ રફીક હુશેન
માંજોઠી (634)એ હરીફ ઇભલા હુશેન તુર્ક (407)ને પરાજય આપી વિજેતા થયા હતા.
સભ્યો તરીકે ચંદ્રિકા મયૂર મહેશ્વરી (વો.-1), શાંતાબેન ચમન દાતણિયા (વો.-2), જાવેદ ઇશા કુંભાર (વો.-3), સુગરાબાઇ જાકબ લુહાર (વો.-4), રજાક સુલેમાન રાયમા (વો.-5), અજયસિંહ ગગુભા રાઠોડ (વો.-6), નાનબાઇ સામજી સંજોટ (વો.-7), લક્ષ્મીચંદ નાનજી માતંગ (વો.-8) જીતી ગયા હતા. - મોટા લાયજા : અ.જા. અનામત બેઠક ઉપર ચતુષ્કોણીય સ્પર્ધામાં
કાનજી ડાહ્યા ધોરિયા (778)એ નજીકના
હરીફ રામજી ગોપાલ મારાજ (696)ને હરાવી
વિજયી થયા હતા. સદસ્યોમાં શેરબાનુ અલીમામદ લંઘા (વો.2), મીત પ્રકાશ ગઢવી (વો.3), લાલજી કારા મહેશ્વરી (વો.4), સવિતાબેન મનજી દાતણિયા (વો.
5), લક્ષ્મીબેન ધનરાજ ગઢવી (વો.
6), માણશી ખેરાજ ગઢવી (વો. 7), મંજુલાબેન નારાણભાઈ મહેશ્વરી
(વો. 8) મેદાન મારી ગયા હતા. - મોટા આસંબિયા : અ.જા. સામાન્ય બેઠક ઉપર સરપંચ પદે સીધી સ્પર્ધામાં લાલજી દેવજી મહેશ્વરી (877)એ સતીશ પ્રાગજી ચૌહાણ (619)ને શિકસ્ત આપી હતી. વોર્ડ સભ્યોમાં
ફાતમાબાઇ ઇલિયાસ કુંભાર (વો.-2), દિનેશગિરિ
દામોદરગિરિ ગોસ્વામી (વો.-5), કાસિક ઇમ્તિયાઝ
લાંગાય (વો.-7), ખાલીદ હુશેન અભુભખર સમા (વો.-8), સોનબાઇ ગોવિંદ હરિજન (વો.-9), આલમશા કાદરશા સૈયદ (વો.-10) વિજયી થયા હતા. - નાના ભાડિયા : સીધી હરીફાઇમાં સરપંચ પદે પ્રવીણચંદ્ર ખેતશી
ગોગરી (370) મતો મેળવી ઓસમાણ જુસબભાઇ લંગા
(304)ને હરાવ્યા હતા. વોર્ડોમાં
વૈશાલી વિપુલભાઇ પરમાર (વો.-1), પ્રવીણ વીરચંદભાઇ
પટ્ટણી (વો.-3), જશોદાબેન રાયશી વિંઝોડા (વો.-4), મેઘનાબેન અશોકભાઇ ડોરૂ (વો.-5), મંજુલાબેન હમીરભાઇ હાથી (વો.-6), મહેશ મનજી ડોરૂ (વો.-7), હનીફ અલીમામદ સંઘાર (વો.-8), મામદ જુસબ નોડે (વો.-9) મેદાન મારી ગયા હતા. - નાગલપર : ચારકોણિયા સંગ્રામમાં સરપંચ પદે શિવમગર રમણીકગર ગુંસાઇ (656)એ હેમાંગ મનસુખગર ગોસ્વામી
(468)ને હાર ચખાડી હતી. શાંતાબેન
રમેશ દાતણિયા (વો.-1), હુશેન દાઉદ
સુમરા (વો.-3), વેલબાઇ વીરજી રાબડિયા (વો.-4), હિંમત સુનીલ ફફલ (વો.-5) સદસ્યો તરીકે ચૂંટાયા હતા.
- કોજાચોરા : સીધી ટક્કરમાં સરપંચ પદે રમીલાબેન જગદીશભાઇ
સંઘાર (322)એ જીલુબાઇ અભુભખર ખલીફા (266)ને પરાજિત કર્યા હતા. લીલબાઇ
બુધિયા સંઘાર (વો.-1) અને જ્યોતિબા
અશ્વિનસિંહ જાડેજા (વો.-4) વોર્ડ પ્રતિનિધિ
ચૂંટાયા હતા. - પોલડિયા : સીધી સ્પર્ધામાં સરપંચ પદે ખુમાનસિંહ બળવંતસિંહ
જાડેજા (297)એ હરીફ સુરેશસિંહ અનિરુદ્ધસિંહ
જાડેજા (186)ને હાર આપી હતી. વોર્ડમાં લક્ષ્મીબેન
મહેન્દ્ર મહેશ્વરી (વો.-1)માં ચૂંટાઇ
આવ્યા હતા. - મોટી સાભરાઇ : સલમાબાનુ આમધ કુભાંર (636)એ જેતબાઇ ડોશલ ગઢવી (507)ને સરપંચની સ્પર્ધામાં હાર
ચખાડી હતી. મેઘબાઇ નારાણ મહેશ્વરી (વો.-1), રઝાક હાજીહુશેન કુંભાર (વો.-3) અને જુમ્મા મામદ ઉઠાર (વો.-4) સદસ્યો તરીકે ચૂંટાયા હતા. - મેરાઉ : અહીં એકમાત્ર
વોર્ડ-1ની ચૂંટણીમાં અનામત બેઠક ઉપર રામજી દામજી
દાફડા વિજયી થયા હતા. - શેરડી : માત્ર ત્રણ વોર્ડના ચુનાવી સંગ્રામમાં કાદર
અદ્રેમાન જત (વો.-3), દેવશીભાઇ
હભુભાઇ રબારી (વો.-4) અને પ્રેમિલાબેન
નારાણ સંઘાર (વો.-6) મેદાને જંગ
જીતી ગયા હતા. - ગઢશીશા : ગ્રા.પં.ની પેટાચૂંટણીમાં મહમદસાદ કાસમભાઇ રાયમા (વોર્ડ-12)માં સીધી હરીફાઇમાં યશસ્વી
નીવડયા હતા. મામલતદાર અને ચૂંટણી અધિકારી વિનોદભાઇ ગોકલાણી સાથે ત્રિકમભાઇ દેસાઇએ આંકડાકીય
વિગતો આપતાં શાંતિપૂર્ણ કામગીરી પૂર્ણ થઇ હોવાનું જણાવ્યું હતું.