• બુધવાર, 13 નવેમ્બર, 2024

પાકિસ્તાન નહીં જાય ટીમ ઇન્ડિયા

મુંબઈ, તા. 9 : ભારતીય ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઈસીસીને આ વાતની જાણકારી આપી દીધી છે. ઇએસપીએન ક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર બીસીસીઆઇએ આઇસીસીને કહી દીધું છે કે ભારત સરકારે ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપી છે. આઠ ટીમની ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી છે. હવે ભારતીય ટીમ પાકિસ્તાનની યાત્રા નહી કરે તો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ થઈ શકે છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના તમામ મુકાબલા સંયુક્ત આરબ અમિરાતમાં રમી શકે છે. આમ તો શ્રીલંકા પણ યાદીમાં છે. જો કે માનવામાં આવે છે કે પાકિસ્તાનથી નજીક હોવાના કારણે યુએઇ દોડમાં સૌથી  આગળ છે. આઇસીસીને સપ્તાહની શરૂઆતમાં જ બીસીસીઆઇનાં વલણ અંગે કહી દેવામાં આવ્યું હતું. જો કે પુષ્ટિ થઈ શકી નહોતી કે બીસીસીઆઇએ પોતાનો નિર્ણય કઈ રીતે આઇસીસી સુધી પહોંચાડયો છે. સંભવ છે કે, આઇસીસી પીસીબીને જાણકારી આપતાં પહેલાં બીસીસીઆઇ પાસેથી લેખિતમાં નિર્ણય જણાવવા માગણી કરી હોય. અગાઉ પીસીબી પ્રમુખ નકવીએ ભાર મૂકીને કહ્યું હતું કે જો બીસીસીઆઇને કોઈ સમસ્યા હોય તો તેણે લેખિતમાં આપવું પડશે. નકવીએ કહ્યું હતું કે, પીસીબી તરફથી હાઇબ્રિડ મોડલ અંગે વાત કરવામાં આવી નથી પણ આ અંગે વાતચીત કરવા માટે તૈયાર છે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમ ભાગ લેવાની છે. જેને ચાર ચારના બે સમૂહમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઇંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ ભાગ લેવાની છે. આ ટૂર્નામેન્ટના આયોજનમાં 100 દિવસ બાકી છે પણ હજી સુધી કાર્યક્રમ ઘોષિત કરવામાં આવ્યો નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang