નવી દિલ્હી, તા. 9 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની
બીજી ટી-20 મેચ આવતીકાલે રવિવારે રમાવાની છે. આ મેચમાં પણ ભારત જીતના ઈરાદે ઊતરશે.
જો કે, ભારતીય ટીમના ટોચના ક્રમના બેટ્સમેનોએ પ્રદર્શનમાં સાતત્ય બતાવવું પડશે. બીજી
તરફ ગૃહટીમ વાપસી માટે મથશે. સંજુ સેમસન પણ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખવા માગશે.
સેમસને ડરબનમાં રમાયેલી પહેલી મેચમાં 50 બોલમાં 107 રન કર્યા હતા. જેની મદદથી ભારતને
61 રને જીત મેળવી હતી. જો કે અન્ય બેટ્સમેનો પર્યાપ્ત યોગદાન આપી શક્યા નહોતા. જે ચિંતાનો
વિષય બની શકે છે. તિલક વર્માએ 18 બોલમાં 33 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી, પણ મોટો સ્કોર
કરી શક્યો નહોતો. ભારતીય મધ્યક્રમમાં એક સ્થાન માટે આકરી સ્પર્ધા છે. જો વર્માએ પોતાનું
સ્થાન નક્કી કરવું હોય તો સતત સારું પ્રદર્શન કરવું પડશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર
યાદવ પણ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. તેવામાં ભારતીય ટીમે ભાગીદારી કરવા માટે પણ મહેનત કરવી પડશે.