દયાપર, તા. 9 : તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે લખપત તાલુકા કડવા
પાટીદાર સમાજ પ્રેરિત યુવા સંગઠન દ્વારા આયોજિત આર્યન ખેલ મહોત્સવનું વિવિધ કાર્યક્રમો
સાથે સમાપન કરાયું હતું. ત્રિદિવસીય કાર્યક્રમના અંતે અંતિમ દિવસે સમાપન સમારોહમાં
ઉપસ્થિત અ.ભા.ક.ક. પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણીએ વકતવ્યમાં શેર-શાયરી સાથે
યુવાનોનું જોશ વધારતાં કહ્યું હતું કે, ટુંકાગાળામાં યુવા સંગઠને ઉત્તમ કામ કર્યું
છે. લખપત તાલુકા પાટીદાર સમાજના પ્રમુખ કાંતિલાલભાઈ લીંબાણીએ કેન્દ્રીય સમાજના તમામ
નિયમોનું સૌથી ચુસ્તપણે પાલન કરતું હોય તો તે લખપત તાલુકો હોવાનું કહ્યું હતું. કચ્છ
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મોહનભાઈ છાભૈયાએ ડો. અબ્દુલ કલામના દૃષ્ટાંત સાથે પ્રશ્નો
પૂછવાની જિજ્ઞાસા ઊભી કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો. અ.ભા.ક.ક.પા. સમાજ મહિલા સંઘના
પ્રમુખ રમીલાબેન રવાણી, કચ્છ રિજિયન ચેરમેન રમેશ દડગા, અ.ક.ક.પા. સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ
પારસિયા, મિશન ચેરમેન જગદીશ લીંબાણી, કચ્છમિત્રના સબ એડિટર વિશ્વનાથ જોષી, સમાજના મહામંત્રી
નરેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ વાલજીભાઈ વાડિયા મંચસ્થ રહ્યા હતા. તાલુકા યુવા સંગઠનના પ્રમુખ
હસમુખભાઈ લીંબાણી અને ખેલ મહોત્સવના મુખ્ય કન્વીનર નરેશભાઈ પારસિયાએ ખેલ મહોત્સવ અંગે
વિવિધ માહિતીઓ આપી હતી. 2250 યુવાને ભાગ લીધો હતો. ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાયા
હતા. રામદેવ ઈલેવન - સિયોત ચેમ્પિયન થઈ હતી. ખેલાડીઓ, દાતાઓનું સન્માન કરાયું હતું.
મહિલાઓ દ્વારા વિવિધ સ્ટોલનું આયોજન કરાયું હતું. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
હતા.