ગાંધીધામ, તા.26 : કચ્છની ઔદ્યોગિક વસાહતોની સુવિધાઓ
અને સ્પર્ધાત્મકતા વધારવા-સર્વે માટે આવેલી નીતિ આયોગની ટીમે ગાંધીધામ ચેમ્બરની મુલાકાત
લીધી હતી.આ દરમ્યાન માળખાંકીય સુવિધા વિકસાવવા સહિતના મુદ્દે વિચારવિમર્શ થયો હતો. સંસ્થાના જોઈન્ટ ડાયરેક્ટર ડો.શિવપ્રસાદ
કટિયાર અને ડેપ્યુટી ડાયરેક્ટર લલિત લટ્ટાએ
મુલાકાત લીધી હતી.ચેમ્બર પ્રમુખ અને મીઠીરોહર જીઆઈડીસી એસોસીએશનના પ્રમુખ તેજા કાનગડે
જીઆઈડીસીની વર્તમાન માળખાંગત સુવિધાઓ અને ખૂટતી કડીઓ વિશે વિગતવાર જણાવી તેમાં તાત્કાલિક
સુધારો કરવા, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી
અપનાવવા પર ભારપૂર્વક જણાવ્યું હતું.
ઔદ્યોગિક વસાહતોની માળખાંગત સુવિધાઓ ઇન્ડસ્ટ્રીઝના
વિકાસ અને વિસ્તરણમાં અગત્યની પાયાની જરૂરિયાત હોય છે.તેમણે વધુમાં જણાવ્યું હતું
કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એ ગુજરાત સરકારની વૈધાનિક નોડલ
એજન્સી છે, જે માળખાંગત સુવિધાઓ માટે તૈયાર વસાહતને વિકસાવે છે.રસ્તાઓ, વીજળી, પાણી પુરવઠા, ડ્રેનેજ વગેરે સામાન્ય સુવિધાઓ પૂરી પાડે છે.આ હેતુ સિદ્ધ કરવા માટે માળખાંગત
સુવિધાઓ નિરંતર મળતી રહે તે માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ખાસ મહત્ત્વ આપી આ સુવિધાઓનું
સમયાંતરે મોનિટરિંગ કરી સુવિધાઓ વધારવી જોઈએ.કારોબારી સભ્ય દેનુ કપાનિયાએ જણાવ્યું
હતું કે, સરકાર તરફથી જમીન ફાળવણી નીતિ, સુગમ અને સરળ બનાવવી જોઈએ તથા જમીનના ભાવ વાજબી રાખવા સૂચન કર્યું હતું,
જેથી ઉદ્યોગકારો અને નવા રોકાણકારોને જમીન લેવામાં સરળતા રહે અને ઉદ્યોગ
સ્થાપવામાં વેગ મળે અને રોજગારી વધે.માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ પર્યાવરણીય અને નિયમનકારી
સહાય, પ્રદૂષણ નિયંત્રણ મંજૂરીઓ, કચરાના
નિકાલની જવાબદારીઓ અને સામાન્ય ગંદાં પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ વગેરે સુવિધાઓનાં વિસ્તરણ
માટે ઝડપી અને યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો હતો.આ તબક્કે તેઓએ ગ્રીન વર્ક્સના કલ્યાણ
માટે સરકાર તરફથી ખાસ યોજના બનાવવા ભલામણ કરી હતી.નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ લેબર ઇકોનોમિક્સ
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ઉચ્ચ અધિકારીઓએ ગાંધીધામ ચેમ્બરનાં સૂચનોની ખાસ નોંધ લઈ તેમના
સર્વેક્ષણ રિપોર્ટમાં સમાવેશ કરી તેઓ નીતિ આયોગને ભલામણ કરશે તેમ જણાવ્યું હતું.