• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ગાંધીધામમાં જીયુડીસી માર્ગો તોડે છતાં પગલાં ભરાતાં નથી

ગાંધીધામ, તા.26 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં નવા બનેલા તથા આંતરિક વિસ્તારોમાં જીયુડીસી અને પીજીવીસીએલ દ્વારા માર્ગોને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.નવા માર્ગો તોડી નાખ્યા છે ત્યારપછી મરંમત પણ કરવામાં આવતી નથી તેમ છતાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.શહેરના આપનાનગર ચાર રસ્તાથી કલેક્ટર રોડ ઉપર ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એટલે કે જી.યુ.ડી.સી.એ પોતાની કામગીરી માટે નવો બનાવેલો ડામર રોડ તોડીને પાઇપ પસાર કર્યા પછી ત્યાં મરંમત કરવામાં આવી નથી.આવી જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જીયુડીસી દ્વારા માર્ગોને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ભારતનગર સહિતના વિસ્તારોમાં તો પેવરબ્લોક કાઢી નાખ્યા પછી હજુ સુધી લગાડવામાં આવ્યા નથી, નવા નવા રોડ તોડી નાખ્યા છે, પેવરબ્લોક લગાડવામાં આવ્યા નથી, પરિણામે ધૂળ અને ડમરીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ રહ્યું છે તેનું સીધું પરિણામ માનવ સ્વાસ્થ્ય ઉપર પડી રહ્યું છે.આ ખોદકામ પછી વ્યવસ્થિત કામગીરી કરવામાં ન આવતાં લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આવી જ રીતે પીજીવીસીએલ દ્વારા માર્ગોની તોડફોડ કરવામાં આવી છે ત્યારપછી યોગ્ય મરંમત કરવામાં આવતી નથી, તેના કારણે લોકો અને વાહનચાલકોને મુશ્કેલીઓ ભોગવી પડી રહી છે.આ બંને એજન્સી મહાનગરપાલિકાની પબ્લિક પ્રોપર્ટીને વ્યાપક નુકસાન પહોંચાડી રહી છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.ખાસ કરીને જીયુડીસીના જે કોન્ટ્રાક્ટર છે, તે ગંભીર બેદરકારી દાખવીને માર્ગો તોડી રહ્યા છે.કોર્પોરેશન અને તેના અધિકારીઓ તથા શાસકો મૂકપ્રેક્ષક બનીને આ બધું નિહાળી રહ્યા હોવાનું જાણકારો આક્ષેપ કરી રહ્યા છે ખરેખર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડયું છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ, દંડની વસૂલાત કરવી જોઈએ અને તુરંત તમામ માર્ગોની મરંમત કરાવવી જરૂરી છે.આમ પણ એન્જિનીયરોની ગંભીર બેદરકારીના કારણે નબળી ગુણવત્તાના માર્ગો બન્યા છે અને તેવામાં આ જીયુડીસી માર્ગો ખોદીને મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે.મ્યુનિસિપલ કમિશનર તથા મેયર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઊઠી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang