રમેશ ગઢવી દ્વારા : કાઠડા.(તા.માંડવી), તા.25 : ચાલુ વર્ષે
નહિવત્ વરસાદના કારણે કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.ખેતીની
સાથે પશુઓ માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીએ પણ માલધારીઓની મુશ્કેલીઓ વધારી છે.એક તરફ ઘાસચારાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે, તો બીજી તરફ દૂધના ભાવમાં પ્રમાણમાં નજીવો વધારો થતાં પશુપાલન વ્યવસાય આર્થિક
રીતે મુશ્કેલ બન્યો છે.
ઘાસચારાના ભાવમાં થયેલા વધારાએ પશુપાલકોનું આર્થિક ગણિત ખોરવી
નાખ્યું છે.ચારા અને પાણીની અછતના કારણે પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો
છે.કેટલાક માલધારીઓ પોતાના પશુધન સાથે અન્ય વિસ્તારોમાં હિજરત કરી રહ્યા છે.પશુપાલકોના
જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિમાં પશુઓ રાખવા કરતાં તેમને નિભાવવાનો
ખર્ચ મોટો પ્રશ્ન બની ગયો છે.સરકાર દ્વારા દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
રાહત દરે ઘાસચારો, પશુપાલકોને સબસિડી તથા ઢોરવાડા શરૂ કરવા સહિતની
વિવિધ જાહેરાતો કરવામાં આવી છે.જોકે, પશુપાલકોનો આક્ષેપ છે કે,
હજુ સુધી આ યોજનાઓના અમલીકરણ અંગે સ્પષ્ટ પરિપત્ર કે વ્યવસ્થા સામે આવી
નથી અને જાહેરાતોનો લાભ જમીની સ્તરે મળ્યો નથી.- દૂધના ભાવમાં વધારો કરવાની
માંગ : પશુપાલકોનું કહેવું છે કે, જ્યારે પશુઓના નિભાવ પાછળનો ખર્ચ સતત વધી રહ્યો
છે ત્યારે દૂધના ભાવમાં પણ યોગ્ય વધારો થવો જરૂરી છે.દૂધ ખરીદતા ગ્રાહકોએ પણ પશુપાલકોની
હાલની સ્થિતિને સમજવી જોઈએ.અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે
કચ્છમાં મોટા પ્રમાણમાં દૂધ ખરીદી કરતી સરહદ ડેરી દ્વારા પણ દૂધના ખરીદ ભાવમાં વધારો
કરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે.- કાઠડા ગામે નિરણ માટે પાંચ
લાખ એકત્ર : દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ વચ્ચે માંડવી
તાલુકાના કાઠડા ગામે અબોલ પશુઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.ગામના જાગૃત નાગરિકોએ
વોટ્સએપના માધ્યમથી એક દિવસના પશુઓના નિરણ માટે રૂ.3000નું દાન નક્કી કર્યું હતું.આ પહેલને અનેક દાતાઓનો સહયોગ મળ્યો
છે અને અંદાજે રૂ.પાંચ લાખ જેટલી રકમ એકત્ર થવા તરફ આગળ વધી રહી છે.આ ભંડોળની હિસાબકીય
જવાબદારી સંભાળતા ભારુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,
હજુ પણ દાતાઓ દ્વારા રકમ નોંધાવવામાં આવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું
હતું કે, આવી જ રીતે દરેક ગામમાં જાગૃતિ આવે અને લગ્નપ્રસંગો
કે અન્ય સામાજિક ખર્ચમાં થોડી બચત કરીને કોઈ વ્યક્તિ એક દિવસના નિરણની જવાબદારી ઉપાડે
તો દુષ્કાળના સમયમાં અબોલ પશુઓને મોટી રાહત મળી શકે છે.- સંસ્થાઓ અને ઉદ્યોગો વ્હારે
આવે : માલધારીઓ દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને ગૌપ્રેમીઓને
પણ આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે.ગામને દત્તક લઈને ત્યાંના પશુઓના ચારાની વ્યવસ્થા
કરવાની જવાબદારી ઉપાડે તો દુષ્કાળના આ કપરા વર્ષમાં અનેક પશુઓનો નિભાવ થઈ શકે છે.ઉદ્યોગગૃહો
પણ આ સંકટના સમયે અબોલ પશુઓની વ્હારે આવે તેવી ગૌપ્રેમીઓની અપેક્ષા છે.ગૌશાળાઓમાં
ઘાસચારાની વ્યવસ્થા, પશુઓ માટે
નિરણ કે અન્ય સહાયરૂપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તો પશુપાલકોને મોટી મદદ મળી શકે છે.આ અંગે કાઠડાના માલધારી પ્રકાશભાઈ કાનાણીનો સંપર્ક
કરતાં તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકો માટે હાલની સ્થિતિ અત્યંત
કઠિન બની છે.પાણી અને ચારાની તંગી વચ્ચે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે.આવા
સમયે સેવાભાવી લોકો, સંસ્થાઓ અને કચ્છમાં કાર્યરત વિવિધ કંપનીઓ
મદદ માટે આગળ આવે તો પશુપાલકો આ વર્ષ પસાર કરી શકે.