• બુધવાર, 25 નવેમ્બર, 2026

રાપરના બે આરોગ્ય કર્મયોગીએ મુસાફરનો જીવ બચાવ્યો

રાપર, તા. 24 : સરકારી કર્મચારીઓને આપવામાં આવતી સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) અને પ્રાથમિક જીવનરક્ષક સારવારની તાલીમ કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે તેનું  ઉદાહરણ રાપર તાલુકાના બે આરોગ્ય કર્મચારીએ મોડી રાત્રે મહેસાણા બસ સ્ટેશન ખાતે અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક અજાણ્યા મુસાફરને સમયસર સીપીઆર આપી પૂરું પાડયું હતું. આરોગ્ય મંત્રીએ કર્મચારીઓને બિરદાવ્યા હતા. રાપર તાલુકામાં આરોગ્ય વિભાગમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ચૌધરી અને એમપીએચડબલ્યુ તરીકે ફરજ બજાવતા મહાદેવભાઈ બારડ દક્ષિણ ભારતનો પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા તે વખતે રાત્રિના આશરે બે વાગ્યે મહેસાણા બસ સ્ટેશન ખાતે એક મુસાફર રડવા અને બૂમો પાડવા લાગ્યા બાદ ઢળી પડતાં બસ સ્ટેશન ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા પારખીને કમલેશભાઈ ચૌધરીએ તાત્કાલિક મુસાફરને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું, જ્યારે મહાદેવભાઈ બારડે 108ને મદદ માટે ફોન કર્યો હતો. બંને કર્મચારીએ તાલીમ અને અનુભવના આધારે મુસાફરને સતત પ્રાથમિક જીવનરક્ષક સારવાર આપવાનું ચાલુ રાખ્યું હતું. સીપીઆરની પ્રક્રિયા દરમિયાન મુસાફરમાં હલચલ અને ભાનનાં ચિહ્નો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ એક સેવાભાવી વ્યક્તિએ પોતાની ખાનગી કારમાં હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ સમગ્ર ઘટનામાં બંને કર્મચારીની રાપર આવવા માટેની બસ પણ આવી ગઈ હતી, પરંતુ એક તરફ પોતાની બસ અને બીજી તરફ અજાણી વ્યક્તિનું જીવન હતું. બંને કર્મચારીએ બસની ચિંતા કર્યા વગર માનવજીવન બચાવવાની કામગીરીને પ્રાથમિકતા આપી હતી. પરિણામે બસ ચૂકી જવા છતાં તેમણે માનવતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખી નહોતી. કમલેશભાઈ ચૌધરી અને મહાદેવભાઈ બારડની આ કામગીરીથી રાપર તાલુકાના આરોગ્ય વિભાગનું ગૌરવ વધ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કરી કર્મચારીઓને બિરદાવ્યા હતા.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd