ભુજ, તા. 24 : હાજીપીર રોડ પર ઢોરા નજીકના
વજીરાવાંઢ ફાટક પાસે આજે બપોરે ટ્રેકટરના છાંયડા તળે શ્રમિકો જમવાની તૈયારી કરતા હતા, ત્યાં જ ધસમસતી યમદૂત સમાન ટ્રકે ટ્રેકટરને
ટક્કર મારતાં ટ્રેકટર તળે શ્રમિકો દબાઈ ગયા હતા. બે બાળક સહિત ત્રણનાં ઘટના સ્થળે અને
પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એક બાળક ઘાયલ થયું છે,
જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. વેકરિયાનાં રણ
પાસે સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં સાત લોકોનાં મોતની ઘટના તાજી જ છે, ત્યાં આજે ફરી ચારના અકસ્માતમાં મોતનાં પગલે અરેરાટી વ્યાપી છે. આ કાળમુખા
અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક એવા દિવાનભાઈ દલસિંગ મખોડિયા (ઉ.વ. 27) અને માસૂમ એવા બે વર્ષના દશરથ
અર્જુનભાઈ મખોડિયા તથા પાંચ વર્ષની બાળા નવીનાબેન અર્જુનભાઈ મખોડિયાનું ટ્રકની ટક્કરથી
પલટેલા ટ્રેક્ટર તળે દબાઈ જવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘાયલ દિવાનના પત્ની હસીનાબેન
(ઉ.વ. 26)નું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન
મોત નીપજ્યું છે. આ ઉપરાંત ચાર વર્ષના આયુષ અર્જુનભાઈ મખોડિયાની હાલત ગંભીર હોવાની
વિગતો મળી છે. આ કરુણાંતિકા સર્જનારા બનાવ અંગે સ્થાનિકો તથા નખત્રાણા પોલીસ મથકેથી
અમારા નખત્રાણાના પ્રતિનિધિએ મેળવેલી વિગતો મુજબ હાજીપીર રોડ પર માઇલ સ્ટોનના પથ્થર
ખોપવાની કામગીરી આજે મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો કરી રહ્યા હતા. બાળકો સહિત આ શ્રમિક
પરિવાર આજે બપોરે 12-45 વાગ્યાના
અરસામાં ઢોરા નજીકના વજીરાવાંઢ ફાટક પાસે ટ્રેકટરના છાંયડા તળે બેઠા હતા અને જમવાની
તૈયારી કરતા જ હતા, તેવામાં ધસમસતી
આવેલી ટ્રક નં. જી.જે.-12-એઝેડ-0590એ ટ્રેકટરને ટક્કર મારતાં જ
શ્રમિકો ટ્રેકટર તળે દબાઇ જતાં ચીસા-ચીસથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. કામ કરતા અન્ય
શ્રમિકો અને લોકો દુર્ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતનાં દૃશ્યો જોતાં રોકકડથી
કલ્પાંત સર્જાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં ટ્રેકટર તળે દબાયેલા દિવાનભાઇ તથા બે માસૂમ
દશરથ અને નવીનાબેનનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થયાં હતાં, જ્યારે મોઢા અને શરીરના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
થયેલા દિવાનભાઇના પત્ની હસીનાબેનનું સાંજે ભુજમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન
મૃત્યુ થયું હતું, જ્યારે આયુષને પગમાં ઇજા પહોંચી હોવાની વિગતો
મળી છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાની વિગતો પણ બિનસત્તાવાર
મળી છે. નખત્રાણા પોલીસ મથકે આશિષભાઇ ભીમજીભાઇ હડિયાએ વિગતો જાહેર કરતાં પોલીસે ટ્રકચાલક
વિરુદ્ધ ગુનો દાખલ કરવા સહિતની તજવીજ હાથ ધરી છે. - બાળકો જેવા શીખાઉ ટ્રકચાલકો
વધ્યા : શનિવારે રાત્રે આર્મીના જવાનોના પરિવારને
વેકરિયાનાં રણ પાસે નડેલા અકસ્માતમાં ત્રણ બાળક સહિત સાતનાં મોત નીપજ્યાં હતાં. અગાઉ
પણ કચ્છમાં આવા ગમખ્વાર અકસ્માતથી માર્ગો રક્તરંજિત બન્યા છે. યમદૂત સમા ભારેખમ ખટારાના
ચાલકો બાળક જેવા શીખાઉ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નશાખોરીની બદીના લીધે કેફીપીણું
કે માદક પદાર્થના નશામાં ચૂર થઇ અનેક ચાલકો બેફામ ટ્રક ચલાવતા હોવાનું જાગૃતોએ જણાવી
આવા ચાલકો પર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.