• બુધવાર, 25 નવેમ્બર, 2026

અંજારની મુખ્ય બજાર વિસ્તારમાં શૌચાલયના અભાવે લોકોને હાલાકી

અંજાર, તા. 24 : ઐતિહાસિક શહેર અંજારના સૌથી વ્યસ્ત અને ધમધમતા કંસારા બજાર, ગંગા બજાર, 12 મીટર રોડ, ગંગાનાકાથી કસ્ટમ ચોક સુધીના મુખ્ય બજાર વિસ્તારમાં જાહેર શૌચાલયની પૂરતી વ્યવસ્થા ન હોવાથી વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં પાયાની સુવિધાના અભાવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ બજાર વિસ્તારમાં અંજાર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી તેમજ અન્ય કામકાજ અર્થે આવતા હોય છે અને લાંબો સમય સુધી બજારમાં રોકાતા હોય છે. આવા સંજોગોમાં જાહેર શૌચાલય ન હોવાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓને ભારે અસુવિધા અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. શહેરના મુખ્ય વ્યાપારી મથકમાં મહિલાઓ માટે પણ સ્વચ્છ અને સુલભ શૌચાલયની વ્યવસ્થા ન હોવી એ અત્યંત ગંભીર બાબત ગણાવાઈ રહી છે.  બીજી તરફ, એવી પણ ચર્ચાઓ જાગી છે કે બજાર વિસ્તારમાં અનેક સ્થળોએ વર્ષોથી અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (આડા) હસ્તકની સરકારી રિઝર્વ જગ્યાઓ પર અમુક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દુકાનો અને કેબિનો ખડકી દેવામાં આવી છે અને તેના ગેરકાયદે ભાડા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે.  જાહેર હેતુ માટે અનામત રાખવામાં આવેલી આ જગ્યાઓનો નિયમ વિરુદ્ધ ખાનગી ઉપયોગ થઈ રહ્યો હોઈ, `આડા' સહિતનું સંબંધિત તંત્ર તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ અને સર્વે હાથ ધરી ગેરકાયદે દબાણો દૂર કરે તેવી માંગ ઊઠી છે.  જો આ રિઝર્વ પ્લોટ ખુલ્લા કરવામાં આવે તો તે જગ્યા પર ગંગાનાકાથી કસ્ટમ ચોક સુધીના વિસ્તારમાં મહિલાઓ અને પુરૂષો માટે સ્વચ્છ તથા સુવ્યવસ્થિત જાહેર શૌચાલય સહિતની સુવિધાઓ સરળતાથી વિકસાવી શકાય તેમ છે. તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાંગ પ્રવર્તી રહી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd