ચંદ્રશી મહેશ્વરી દ્વારા : ભુજ,
તા. 24 : આજે વિશ્વ
મહિલા અત્યાચાર નિવારણ દિવસ છે, ત્યારે
કચ્છમાં છેલ્લાં પાંચ વર્ષમાં મહિલાઓ, દીકરીઓ પર થયેલા શારીરિક,
માનસિક, આર્થિક અને સામાજિક અત્યાચારના 9405 બનાવ બન્યા છે અને ભુજની કચ્છ
મહિલા વિકાસ સંગઠન દ્વારા 2010થી કાર્યરત
હેલ્લો સખી હેલ્પલાઈન પર આ મહિલાઓ, દીકરીઓએ સંપર્ક કરી રક્ષણ માગ્યું છે. - ઘરમાં હિંસાના બનાવો : બદલાતા સમયની સાથે મહિલાઓ હવે ઘરની ચાર
દીવાલો પૂરતી સીમિત ન રહી પુરુષ સમોવડી બની છે અને ઉદ્યોગ સાહસિકતા, ખેતી, નોકરી, હસ્તકળા, પશુપાલન, રમતગમત વગેરે
ક્ષેત્રે આગળ વધી સ્વાવલંબી બની છે અને આર્થિક ઉપાર્જન સાથે પરિવારને મદદરૂપ બની રહી
છે તેમ છતાં મહિલાઓ પરના શારીરિક, માનસિક, સામાજિક અત્યાચારોમાં ઘટાડો થવાના બદલે આવા બનાવો ઉતરોત્તર વધી રહ્યા છે. કચ્છ
મહિલા વિકાસ સંગઠનના ટીમલીડર જિનલબેન શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા મહિલાઓને અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા, કાનૂની રક્ષણ આપવા માટે 2010માં હેલ્લો સખી હેલ્પલાઈન નંબર 99133 91234 શરૂ કરાઈ છે, જે હેલ્પલાઈનની કામગીરી સંસ્થાની બે બહેન પોલીસ
સ્ટેશનમાં બેસીને સંભાળે છે. જાન્યુઆરી-2021થી લઈને ઓક્ટોબર 2026 સુધીમાં અત્યાચારોનો ભોગ બનેલી 9405 મહિલાએ હેલ્પલાઈનનો સંપર્ક
કરતાં પોલીસ રક્ષણની સાથે કાનૂની રક્ષણ અપાયું છે. 2021 બાદ સરકારી યોજનાઓ સંબંધે 171 મહિલાએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો છે. તે જ રીતે મહિલા અત્યાચારના
બનાવો પર નજર કરીએ તો સાયબર ગુના 81, બાળલગ્ન 41, ઘરેલુ હિંસા
8326, માનસિક સ્વાસ્થ્ય 99, ગુમ થયેલી વ્યક્તિ 59, છૂટાછેડા 58, ધમકી, પાડોશી દ્વારા હેરાનગતિના 212 કેસ, બાળકોનું જાતીય શોષણ (પોક્સો) 99, મિલકત સંબંધિત વિવાદ 76, બળાત્કાર 17, હત્યાનો પ્રયાસ 21, કાર્યસ્થળ પર જાતીય સતામણી
22, માનવ તસ્કરી 4, એટ્રોસિટી 109 અને છેતરપિંડી, છેડતી સહિતના 109 ગુના મળી વિવિધ અત્યાચારોના
બનાવોમાં 9405 મહિલાઓએ હેલ્પલાઈનનો સંપર્ક
કર્યો છે.- 3149 કેસમાં સમાધાન : સંસ્થા દ્વારા 5021 કેસનો નિકાલ કરાયો છે. 633 કેસ કોર્ટમાં, 1157 મીડિએશન સેન્ટર, 511 પોલીસને, 209 વકીલને અને
1023 કેસ 181, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશનમાં મોકલાવાયા છે. સમાજની
મધ્યસ્થીથી 507 કેસમાં સમાધાન
થયું છે. તે જ રીતે કોર્ટમાં જતાં પહેલાં 3149 કેસમાં સમાધાન કરાવાયું છે. - દારૂડિયા પતિઓએ માર માર્યો : જિલ્લામાં દેશી-વિદેશી દારૂની બદી દિવસા-દિવસ
વધી રહી છે, ત્યારે દારૂડિયા પતિઓ દ્વારા
મહિલાઓને માર માર્યાના 3 હજારથી વધુ
બનાવ બન્યા છે. - મોબાઈલ ફોન
ગૃહકલેશનું ઘર : વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં મોબાઈલ
થકી દુનિયા નાની બની ગઈ છે, ત્યારે ફોનને
લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધી ગયા છે અને આવા કેસોમાં 1921 મહિલાએ સંસ્થાનો સંપર્ક કર્યો
છે. - માત્ર સામાન્ય વાતે છૂટાછેડા
: સંસ્થા પાસે આવતા વિવિધ કેસો પૈકી 23 એઁવા કેસ સામે આવ્યા છે કે, જેમાં નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા
બાદ સંબંધો વધુ વણસ્યા છે અને ટૂંક સમયમાં 23 કેસમાં છૂટાછેડા છે. 2021 બાદ 58 કેસમાં પતિ-પત્નીએ
છૂટા થવાનું નક્કી કર્યું હતું.