• બુધવાર, 25 નવેમ્બર, 2026

કચ્છનાં અનેક ગામોમાં હૃદયદ્રાવક કિસ્સા સામે આવ્યા

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 24 : મહિલાઓ સામેની હિંસા માનવજાતના સૌથી વ્યાપક, સતત અને વિનાશક માનવાધિકાર ઉલ્લંઘનોમાંની એક છે. યુનાઈટેડ નેશનના અહેવાલો મુજબ જાતીય હિંસા સદીઓથી પુરુષ વર્ચસ્વની માનસિકતામાં જડબેસાયા છે. વસ્તી-વિસ્તાર, પરંપરાગત કુટુંબ માળખાં અને ગ્રામ્ય વિસ્તારોની પદ્ધતિઓમાં પિતૃસત્તા, આર્થિક નિર્ભરતા, અપર્યાપ્ત કાનૂની જાગરુકતા, માનસિક અને આર્થિક હિંસા, ત્રીઓના નિર્ણયો પર પારિવારિક નિયંત્રણને લીધે હિંસા વધવાનો મુખ્ય આધાર બને છે.  - ઘરેલુ હિંસાના સૌથી વધુ કેસ : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK-EMRIના સંકલનથી 8 માર્ચ, 2015થી કાર્યરત `181 અભયમ્ મહિલા હેલ્પલાઈન' કચ્છમાં સંકટ સમયની સાથી બની છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં બે રેસ્ક્યૂ વાન કાર્યરત છે. ઉત્તર ઝોનના રિજનલ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર વિક્રમસિંહ રહેવરના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં છેલ્લા છ માસમાં 181 પર કુલ 3,668 સેવા કોલ્સ મળ્યા છે, જેમાંથી 676 ગંભીર કિસ્સામાં ટીમે સ્થળ પર પહોંચી મદદ કરી છે, જેમાં ઘરેલુ હિંસા : 1,926 કેસ, ત્રાસ, અત્યાચાર અને અપશબ્દો : 440 કેસ, લગ્નેત્તર સંબંધોના પ્રશ્નો : 213 કેસ, માનસિક તણાવ : 145 કેસ નોંધનીય છે.  - ટીમના હૃદયદ્રાવક અનુભવો  : ભુજ ટીમના કાઉન્સેલર પ્રવીણાબેન પારગીએ જણાવ્યું કે, અમુક કિસ્સાઓમાં પીડિતાને જોઈને ત્રીસહજ સંવેદના આપોઆપ જાગી ઊઠે છે. ભુજના એક સુખી-સંપન્ન પરિવારની ગૃહિણી ખત્રીતળાવમાં આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહી હતી, ત્યારે સ્થાનિકોએ તેને રોકીને 181ની ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમે અડધો કલાક સુધી પૂછપરછ કરી હોવા છતાં તે મહિલા કંઈ પણ બોલ્યા વગર સતત રડતી રહી હતી. અંતે કાઉન્સેલરે તેને ધરપત આપી, ગભરાયા વગર વાત કરવા હિંમત આપતાં તે ખભે વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. તેણે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, ત્રણ સંતાન અને વ્યવસ્થિત ઘર હોવા છતાં પતિના લગ્નેત્તર સંબંધોથી તે ભાંગી પડી હતી અને પિયરમાં કોઈ આધાર ન હોવાથી અંતિમ પગલું ભરવા મજબૂર બની હતી. અભયમ્ની ટીમે તેને હૂંફ આપી અપમૃત્યુમાંથી બચાવી હતી અને ત્યારબાદ તેના પતિનું કાઉન્સાલિંગ કરી સમજણ કેળવતાં પરિવારમાં ફરી સુખ-શાંતિ સ્થપાઈ હતી.  તે વધુમાં ઉમેરે છે કે, જ્યારે કોઈ મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળે ત્યારે ઈશ્વરનો આભાર માનવાની લાગણી થાય છે, પરંતુ ક્યારેક અત્યંત દુ:ખદ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. ભુજની એક આધેડ વયની શ્રમિક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ અભયમ્ની ટીમ ત્યાં પહોંચે તે પૂર્વે જ સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દીધો હતો, જ્યાં ટીમને માત્ર મૃતદેહ જ જોવા મળ્યો હતો. બીજી તરફ, પૂર્વ કચ્છની ટીમના કાઉન્સેલર અરુણાબેન કોલડિયાએ સમાજને હચમચાવી નાખે તેવા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં જ 14 વર્ષની સગીર બાળા પર તેના જ પિતા દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ખુદ માતાની પણ સંડોવણી હોવાનું બહાર આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મહિલા હિંસા વિરોધી અભિયાનના દિવસે કચ્છ જેવા શાંત પ્રદેશમાં બનેલી આવી ઘટના સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઉપરાંત અરુણાબેને અન્ય એક કિસ્સો જણાવતાં કહ્યું હતું કે, પતિના લગ્નેત્તર સંબંધથી ત્રાસેલી એક મહિલા રેલવે ફાટક પર આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી. પતિએ ઘણું સમજાવવા છતાં તે ન માનતાં અંતે 181ની ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે સ્થળ પર જ બંનેનો સઘન પરામર્શ કરતાં પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પત્નીએ પણ ઉદારતા દાખવી માફ કરી દેતાં એક તૂટતો સંસાર બચી ગયો હતો. - અંજારનો ચોંકાવનારો કિસ્સો : એક પરિવારમાં પતિએ ખુલ્લા બાથરૂમ તરફ નજર રાખતો સીસીટીવી કેમેરો લગાવ્યો હતો, જેનું એક્સેસ કૌટુંબિક યુવાનોના ફોનમાં હતું. સગીર દીકરીઓની પ્રાઈવસી જોખમાતી હોવાથી ટીમે સમજાવવા જતાં પતિ લાકડી લઈ ઉશ્કેરાયો હતો, અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. - ભચાઉમાં બળજબરી : પતિ પત્નીને બળજબરીથી દારૂ પીવડાવી ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો અને 8 વર્ષની માસૂમ દીકરીની સામે જ પેશાબ કરીને બાળકીને અયોગ્ય વર્તનનો ભોગ બનાવતો, જે બાળકીના માનસિક વિકાસ પર ગંભીર આઘાત (ટ્રોમા) છોડી  શકે છે.  - કાયદા અને યોજનાઓ : કાયદાઓ હોવા છતાં સામાજિક ડર અને ડિજિટલ યુગમાં સાયબર હેરેસમેન્ટ જેવા પડકારો સામે લડવા ઘરેલુ હિંસા અધિનિયમ (2005), POSH Act  (2013), દહેજ પ્રતિબંધક કાયદો અને ભારતીય ન્યાય સંહિતા ((BNS) હેઠળ કડક જોગવાઈઓ છે. આ ઉપરાંત 181 અભયમ્ હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર (એક જ છત નીચે તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય) અને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન મહિલા સશક્તીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હિંસામુક્ત સમાજનાં નિર્માણ માટે ઘરમાંથી જ દીકરા-દીકરીને સમાન સંસ્કાર આપવા એ સમયની તાતી જરૂરિયાત છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd